ગાંધીનગર નજીક વાવોલ-પુંદ્રાસણ રોડ ઉપર આવેલા ખેતરોમાં મોરના મરવાના સમાચાર સાંભળીને વનવિભાગ દોડતું થયું હતું. અહીં તપાસ કરતાં દસ મરેલા મોર ઉપરાંત ત્રણ ટીંટોડી અને એક હોલો પણ મરેલો મળી આવ્યો હતો. એટલુ જ નહીં, તરફડીયા મારતા અન્ય 18થી વધુ મોર પણ ત્યાં હતા.
જેથી વનવિભાગે તાત્કાલિક પશુચિકીત્સકને તેડાવ્યા હતા જેમને યુધ્ધના ધોરણે આ અસરગ્રસ્ત મોરને ઇંજેક્શન આપીને સ્ટેબલ કરી દીધા હતા. તો મરેલા મોરોનું ડોક્ટરો મારફતે પોસ્ટમોર્ટમ કરતા તેમાંથી ઉધઇની દવાવાળો ઘઉંનો દાણો મળી આવ્યો હતો. જેથી ખોરાકીઝેરની અસરને કારણે આ મોરના મોત થયું હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે. ગાંધીનગર પાસે આવેલા વાવોલ-પુંદ્રાસણ રોડ પર એક ખેતરમાં આજે જ્યારે તેના માલીક ઘનશ્યામસિંહ ગોલ ફરી રહ્યા હતા ત્યારે તેમને બે મોર મરેલી હાલતમાં જોવા મળ્યા હતા જેને લઇને તેમણે ગાંધીનગર વનવિભાગનો સંપર્ક કર્યો હતો.વનવિભાગનો સ્ટાફ થોડી જ મીનીટોમાં ખેતરે પહોંચી ગયો હતો અને મરેલા રાષ્ટ્રીય પક્ષી મોર બાબતે આસપાસના ખેતરો તથા રોડ સાઇડના વિસ્તારોમાં તપાસ કરી હતી. જે દરમિયાન કુલ આઠ મોર મરેલા મળી આવ્યા હતા જ્યારે 18થી પણ વધુ મોર તરફડીયા ખાતી નાજુક અવસ્થામા મળી આવ્યા હતા.
આ તમામ મોરને એક ખેતરમાં લાવવામાં આવ્યા હતો તો બીજીબાજુ વેટરનરી ડોક્ટર દ્વારા યુધ્ધના ધોરણે તાત્કાલિક સારવાર કરીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમયસર સારવાર મળી જવાને કારણે 18 મોરને બચાવી લેવામાં આવ્યા હતા તો બે મોરની સ્થિતિ ખુબ જ ખરાબ હોવાને કારણે તેનું મોત થયું હતું. એટલે કે, કુલ દસ મોર મરી ગયા હતા. વનવિભાગે રાષ્ટ્રીયપક્ષી મોરના મરવાનું ચોક્કસ કારણ શોધવા માટે પેનલ ડોક્ટર મારફતે મોરના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ તમામ મોરના શરીરમાંથી ઉધઇની દવાવાળા ઘઉંનો દાણો મળી આવ્યા હતાં.એટલે આ મોરના મોત ફુડપોઇઝનીંગથી થયા હોવાનું પીએમ રીપોર્ટના આધારે કહેવામાં આવે છે તો બીજીબાજુ વધુ તપાસ માટે મોરના સેમ્પલ અને વિશેરા લઇને તેને એફએસએલમાં પણ મોકલવામાં આવ્યા છે.રાષ્ટ્રીય પક્ષી હોવાના કારણે રાષ્ટ્રીય માનસન્માન સાથે મોરના મૃતદેહના અધિકારીઓની હાજરીમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતાં.