કેન્દ્રિય ગૃહ મંત્રી તથા ગાંધીનગર સંસદસભ્ય અમિત શાહના હસ્તે ૨૫મી ઓક્ટોબરે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર ગાંધીનગર મહાનગરપાલિકા તથા ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આયોજિત રૂ. ૪૧૫ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના મેગા લોકાર્પણ- ખાતમુહૂર્ત તથા સહાય વિતરણ કાર્યક્રમ ગાંધીનગર અને કલોલ ખાતે યોજાનાર છે.
ગાંધીનગર શહેર ખાતે યોજાનાર કાર્યક્રમમાં કેરોસીન ફ્રી ગાંધીનગરના લાભાર્થીઓને કીટ વિતરણ, વિધવા સહાય- વૃદ્ધ સહાયના લાભાર્થીઓને મંજૂરી પત્રો, આયુષ્યમાન ભારત કાર્યક્રમના લાભાર્થીઓને કાર્ડ વિતરણ, કુડાસણ ખાતે શેલ્ટર હોમનું ખાતમુહૂર્ત, ગાંધીનગર સ્માર્ટ સિટી યોજના હેઠળ રોડ નંબર -૬ અને ૭ તથા ગ-રોડ સ્માર્ટ રોડ કામગીરીનું ખાતમુહૂર્ત, ગાંધીનગર સ્માર્ટ સિટી યોજના હેઠળ ઘ-૪ જંકશન અને ગ-૪ જંકશન ખાતે અન્ડરપાસના કામોનું ખાતમુહૂર્ત, ઈન્ટિગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ, મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત કુડાસણ ખાતે નિર્માણ થયેલા એમ.આઈ.જી પ્રકારના ૪૮૦ આવાસોની સોંપણી, કુડાસણ -સરગાસણ- રાયસણ અને વાવોલ ખાતેની ટીપી સ્કીમોમાં પાણી પુરવઠો પૂરો પાડવાના કામોનું લોકાર્પણ અને કુડાસણ- સરગાસણ તથા રાયસણ ખાતેની ટીપી સ્કીમોમાં નિર્મિત બગીચાઓનું લોકાર્પણ સહિતના વિવિધ વિકાસ પ્રકલ્પોનો સમાવેશ થાય છે.
કલોલ ખાતે પણ કરોડોના વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત -લોકાર્પણ કાર્યક્રમો યોજાનાર છે, જેમાં કલોલ- ગાયત્રી મંદિર જંકશન ખાતે નિર્માણ થયેલ ફ્લાય ઓવર બ્રીજનું લોકાર્પણ, કલોલ એપીએમસી ગેસ્ટ હાઉસ અને એન્ટ્રી ગેટનું લોકાર્પણ ઉપરાંત ભારત સરકારની વયોશ્રી અને એડીપી યોજના અંતર્ગત કે.આઈ.આર.સી કોલેજના સંકુલમાં વયોશ્રીઓ અને દિવ્યાંગોને નિ:શુલ્ક સાધન સહાયનું વિતરણ કરવામાં આવનાર છે.
ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર, ગાંધીનગર મહાનગર પાલિકા તથા ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આયોજિત આ વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા સહાય વિતરણ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મહેસુલ મંત્રી કૌશિક પટેલ તથા ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર રીટાબેન કેતનકુમાર પટેલની ઉપસ્થિત રહેશે.