મહરાષ્ટ્રના પૂણેમાં ઝોમેટો ડિલવરી બોય દ્વારા પાલતુ શ્વાનના અપહરણની ઘટના સામે આવી છે. પૂણેના દંપતીએ આક્ષેપ કર્યો છે કે, ઝોમેટોના ડિલવરી બોયે તેમના પાલતુ શ્વાન ડોટ્ટુનું અપહરણ કર્યું છે. વંદના શાહે ટ્વિટર પર સમગ્ર ઘટના અંગે વાત કરતા ઝોમેટો પાસેથી આ અંગે મદદ માગી છે.
વંદના શાહે જણાવ્યું કે, સોમવારે કર્વે રોડ સ્થિત તેમના ઘર પાસેથી ડોટ્ટુ ગુમ થઇ ગયો હતો. અનેક કલાકો પછી પણ ડોટ્ટુ નહીં મળતા અમે પરેશાન થઇ ગયા હતા. અમે આજુબાજુના વિસ્તારમાં ડોટ્ટુને શોધવાના પ્રયાસ કર્યા હતા, છેલ્લે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અમારા ઘરની નજીકમાં આવેલા એક રેસ્ટોરન્ટ પાસે કેટલાક ફૂડ ડિલવરી બોયને જ્યારે અમે ડોટ્ટુ અંગે પૂછ્યું તો તેમણે જણાવ્યું કે, આ શ્વાનને તેમણે તેમના સહકર્મી પાસે જોયો હતો.
વંદનાના જણાવ્યા મુજબ, ડિલવરી બોયની ઓળખ તુષાર તરીકે થઇ છે. તેણે જણાવ્યું કે, જ્યારે મેં તેનો નંબર લઇને ડોટ્ટુ અંગે વાત કરી તો તુષારે સ્વીકાર્યું કે તેણે કૂતરાનું અપહરણ કર્યું છે પરંતુ જ્યારે મેં તેને ડોટ્ટુને પરત કરવા જણાવ્યું તો તેણે શ્વાનને તેના ગામ મોકલ્યો હોવાની વાત કરી હતી.
વંદનાએ વધુમાં જણાવ્યું હતું કે, અમે તેમના શ્વાનને બદલે નાણાં પણ ઓફર કર્યા હતા તેમ છતાં તે આનાકાની કરી રહ્યો છે અને તેણે તેનો ફોન પણ સ્વિચ ઓફ કરી દીધો છે. વંદનાએ આ મામલે ઝોમેટોની મદદ માગી છે પરંતુ અત્યાર સુધી તેમને કોઇ મદદ મળી નથી. મંગળવારે પોલીસે તેમને મદદ માટે આશ્વાસન આપ્યું પરંતુ ફરિયાદ દાખલ કરી નહતી.