ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા ઘણાં સમયથી મહેન્દ્ર સિંહ ધોનીનો વિકલ્પ શોધી રહી છે અને એ અભિયાનમાં દિલ્હીનો યુવા વિકેટકીપર ઋષભ પંત સૌથી મજબૂત દાવેદાર ગણાય છે. ફેબ્રુઆરી 2017માં ટી-20 ઇન્ટરનેશનલ કેરિયરની શરૂઆત કરનારા પંતે તે પછી ટેસ્ટ અને વન-ડે ટીમમાં સ્થાન મેળવ્યું છે. ધોની સાથેની તેની તુલના અંગે જ્યારે પંતને સવાલ કરાયો ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે એ સૌથી મુશ્કેલ બાબત છે, કોઇ એક રાતમાં મહેન્દ્ર સિંહ ધોની નથી બની શકતો. આ યુવા વિકેટકીપરે કહ્યું હતું કે હું ધોનીને મારો મેન્ટર માનું છુ અને તેની પાસેથી ઘણી બાબતો શીખવાનો પ્રયાસ કરું છું.
તેને જ્યારે એવું પુછાયું કે ઘણાં નિષ્ણાતો માને છે કે પંતને નેશનલ ટીમમાં થોડી જલદી જગ્યા મળી ગઇ તો શું તું ખુદને નસીબદાર માને છે. તેના જવાબમાં પંત બોલ્યો હતો કે કોઇ ખેલાડીને ટીમમાં વહેલું સ્થાન મળે તો તે સારું છે. પણ તેનો અર્થ એ નથી કે મને કોઇ વસ્તુ મફતમાં મળી છે. મેં આકરી મહેનત કરીને ટીમમાં સ્થાન મેળવ્યું છે. કોઇએ મને ગિફ્ટમાં તે નથી આપ્યું. તેણે કહ્યું હતું કે પરફોર્મન્સના આધારે ટીમમાં સ્થાન મળે છે, કોઇ કહેતું નથી કે ભાઇ ટીમમાં આવી જા.