ડોમેસ્ટિક ક્રિકેટની ગત સિઝનમાં સતત સારું પ્રદર્શન કરવા છતાં ભારત-એ અને દુલીપ ટ્રોફી માટેની ટીમમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહેલા શેલ્ડન જેક્સને હતાશા વ્યક્ત કરીને રાષ્ટ્રીય પસંદગીકારો પાસે પારદર્શકતા દાખવવાની માગ કરી છે. ગત રણજી સિઝનમાં 854 રન બનાવવા છતાં શેલ્ડન જેક્સનને ભારત-એ ટીમમાં સ્થાન મળ્યું નથી. સૌરાષ્ટ્રના આ સીનિયર બેટ્સમેનને આ વર્ષે દુલીપ ટ્રોફી માટેની ટીમમાં પણ સામેલ કરાયો નથી.
જેક્સને પોતાના ટિ્વટર હેન્ડલ પર લખ્યું હતું કે આ વર્ષે સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફી ફાઇનલમાં રમી અને આશ્ચર્યની વાત એ છે કે તમામ પ્લેટફોર્મ પર સારા પ્રદર્શન છતાં એકપણ ખેલાડીને એ સિરીઝ માટે પસંદ કરાયો નથી. તો શું રણજી ટ્રોફી ફાઇનલમાં રમવાનું મહત્વ શૂન્ય છે. કે પછી રાજ્યોની નાની ટીમોને ગંભીરતાથી લેવામાં નથી આવતી. તેણે લખ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં સિતાંશુ કોટકના માર્ગદર્શનમાં સૌરાષ્ટ્રની ટીમે 3 વાર ફાઇનલ રમી છે, પણ અમને એ શ્રેય નથી મળ્યું જેના અમે હકદાર છીએ.
તેણે લખ્યું હતું કે એક ખેલાડી તરીકે અમને એ જાણવાનો હક છે કે અમારામાં ખોટ શું છે. તેણે કહ્યું હતું કે મને કહેવાયું હતું કે સવાલ ન ઉઠાવવા પણ મારું માનવું છે કે એક ખેલાડી તરીકે અમને એ જાણવાનો અધિકાર છે કે અમારી અંદર ક્યાં અને શું ખોટ છે? કે પછી અમારી કેરિયર એ વિચારતા જ પૂર્ણ થશે કે આવું કેમ ન થયું?