ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બુધવારથી શરૂ થયેલી ચોથી એશિઝ ટેસ્ટમાં ટોસ જીતીને દાવ લેવાનો નિર્ણય કરનારી પ્રવાસી ઓસ્ટ્રેલિયન ટીમને શરૂઆતમાં જ ઇંગ્લેન્ડના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડે બે ઝાટકા આપ્યા પછી માર્નસ લાબુશેન અને ગંભીર ઇજા પછી પાછા ફરેલા સ્ટીવ સ્મિથે મળીને ઓસ્ટ્રેલિયાને લથડી પડતા સંભાળી લીધું હતું. બંને વચ્ચે 116 રનની ભાગીદારી થઇ હતી. પહેલા દિવસની રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટના ભોગે 170 રન બનાવી લીધા છે અને સ્મિથ 60 જયારે ટ્રેવિસ હેડ 18 રને રમતમાં છે.
ઓસ્ટ્રેલિયાનો દાવ શરૂ થયાં પછી બ્રોડે ડેવિડ વોર્નરને ખાતું ખોલવા દીધા વગર પેવેલિયન ભેગો કર્યો હતો અને તે પછી માર્કસ હેરિસને અંગત 13 રને આઉટ કર્યો ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 2 વિકેટે 28 રન થયો હતો. અહીંથી લાબુશેન અને સ્મિથે બાજી સંભાળી લીધી હતી. આ દરમિયાન વરસાદને કારણે રમતમાં બે વાર વિઘ્ન આવ્યું હતું. સ્મિથને સ્થાને બીજી ટેસ્ટમાં કન્કશન સબસ્ટિટ્યૂટ તરીકે સામેલ થઇને અર્ધસદી ફટકારનાર લાબુશેને તે પછી ત્રીજી ટેસ્ટની બંને ઇનિંગમાં તેણે અર્ધસદી ફટકારી હતી અને બુધવારે પણ તેણે પોતાની અર્ધસદી પુરી કરી છે. તે 67 રન કરીને ઓવર્ટનનો પહેલો ટેસ્ટ શિકાર બન્યો હતો.