વર્ષની ચોથી ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપનની પુરૂષ સિંગલ્સમાં ભારતીય સમય અનુસાર બુધવારે એક મોટો અપસેટ સર્જાયો હતો અને વર્લ્ડ રેન્કિંગમાં 78માં ક્રમાંકિત ગ્રિગોર દિમિત્રોવે દિગ્ગજ ત્રીજા ક્રમાંકિત રોજર ફેડરરને હરાવ્યો હતો. બલ્ગેરિયાના 28 વર્ષિય દિમિત્રોવે ફેડરરને હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, જ્યાં તેનો મુકાબલો દાનિલ મેદવેદેવ સાથે થશે.
ફેડરર સામે અગાઉની સાતેય મેચ હારેલા દિમિત્રોવે 8મી મેચમાં દિગ્ગજને પછાડ્યો
આ પહેલા ફેડરર સામે રમેલી તમામ સાતેય મેચમાં હારેલા દિમિત્રોવે 8મી મેચમાં મેદાન મારીને ફેડરરને 3-6, 6-4, 3-6, 6-4, 6-2થી વિજય મેળવ્યો હતો. હવે શુક્રવારે રમાનારી સેમી ફાઇનલમાં દિમિત્રોવનો સામનો વિશ્વના પાંચમા ક્રમાંકિત રશિયન ખેલાડી દાનિલ મેદવેદેવ સાથે થશે. મેદવેદેવ સ્ટાન વાવરિંકાને હરાવીને સેમીમાં પ્રવેશ્યો છે. દિમિત્રોવ પહેલીવાર યુએસ ઓપનની સેમીમાં પ્રવેશ્યો છે. પાંચવારના યુએસ ઓપન ચેમ્પિયન ફેડરર પાસે આ મેચ જીતીને સૌથી વધુ વયના સેમી ફાઇનાલિસ્ટ બનવાની તક હતી પણ તે એ તક ચુક્યો છે.