યુક્રેનની એલિના સ્વિતોલીના અને ફ્રાન્સના ગેલ મોફિલ્સ વચ્ચે ટેનિસ કોર્ટ પર પાંગરી રહેલો પ્રેમ હવે સોળે કળાએ ખીલ્યો છે અને બંને વચ્ચેનો આ રોમાન્સ તેમને પ્રેરણા આપતો હોય તેમ બંને યુએસ ઓપનમાં આગેકૂચ કરી રહ્યા છે. એક તરફ સ્વિતોલીનાએ મહિલા સિંગલ્સમાં અંતિમ ચારમાં પ્રવેશ કરી લીધો છે ત્યારે ગેલ મોફિલ્સે પુરૂષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન દરમિયાન જ પોતાના સંબંધની જાહેરાત આ જોડીએ કરી છે અને હાલમાં ટેનિસ કોર્ટ પર જ તેમનો ચુંબન કરતો ફોટો વાયરલ બન્યો છે. આ બંનેના ઇન્સ્ટાગ્રામ પર સંયુક્ત એકાઉન્ટમાં 1 લાખ જેટલા ફોલોઅર છે.
યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમની મેચ દરમિયાન પ્રિયંકા ચોપરાની હાજરી
ન્યુયોર્કમાં હાલમાં રમાઇ રહેલી યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ સ્પર્ધામાં હોલીવુડના અભિનેતા કે અભિનેત્રીઓ અથવા તો સિંગરની હાજરી જોવા મળે છે. મંગળવારે રાત્રે રમાયેલી રોજર ફેડરર અને ગ્રિગોર દિમિત્રોવ વચ્ચે રમાયેલી યુએસ ઓપનની પુરૂષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલ મેચ જોવા માટે ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાજર રહી હતી.