પોતાના ચોથા યુએસ ઓપન ટાઇટલ ભણી વધુ એક ડગલું ભરતાં સ્પેનના રફેલ નડાલે સોમવારે વર્ષની અંતિમ ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટની પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં માજી ચેમ્પિયન મારિન સિલિચને હરાવીને વિક્રમી 40મી વાર ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. નડાલે સિલિચને 6-3, 2-6, 6-1, 6-2થી હરાવ્યો હતો. હવે તેનો સામનો આર્જેન્ટીનાના ડિએગો શ્વાર્ત્ઝમેન સાથે થશે, જેણે છઠ્ઠા ક્રમાંકિત જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવને 3-6, 6-2, 6-4, 6-3થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
સતત ત્રીજા વર્ષે ચારેય ગ્રાન્ડસ્લેમમાં અલગ અલગ મહિલા ચેમ્પિયન જોવા મળશે
વિશ્વની નંબર વન મહિલા ખેલાડી નાઓમી ઓસાકા અહી પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં બેલિન્ડા બેનસિચ સામે હારી ગઇ તેનાથી એ નક્કી થઇ ગયું છે કે આ વર્ષે પણ ચારેય ગ્રાન્ડસ્લેમમાં અલગઅલગ મહિલા ચેમ્પિયન જોવા મળશે. આ સાથે જ આવું સતત ત્રીજા વર્ષે થશે અને તે ઓપન ઇરાના ઇતિહાસમાં પ્રથમવાર જોવા મળશે.