વેસ્ટઇન્ડિઝ સામેની બે ટેસ્ટની સિરીઝમાં ભારતના વિજયના શિલ્પીઓમાં મહત્વની ભૂમિકા ભજવનાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહ આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ ટેન બોલર્સમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. મહત્વની વાત એ છે કે વેસ્ટઇન્ડિઝ સામેની સિરીઝ પહેલા બુમરાહ 16માં સ્થાને હતો અને બે ટેસ્ટમાં તેણે કુલ 13 વિકેટ ઉપાડીને બે મોટી છલાંગ લગાવીને અહીં સુધી પહોંચ્યો છે.
ગયા અઠવાડિયે બુમરાહે 9 ક્રમની છલાંગ લગાવીને 16માં ક્રમેથી ટોપ ટેનમાં સીધી 7માં ક્રમે એન્ટ્રી કરી હતી અને હવે બીજી ટેસ્ટ પછી તેણે વધુ ચાર ક્રમની છલાંગ લગાવીને હવે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. વેસ્ટઇન્ડિઝનો કેપ્ટન જેસન હોલ્ડર તેની ટીમ હારી હોવા છતાં રેન્કિંગમાં ફાયદા સાથે ચોથા ક્રમે પહોંચી ગયો છે. ટોપ ટેન બોલર્સમાં જસપ્રીત બુમરાહ એકમાત્ર ભારતીય બોલર છે. રવિન્દ્ર જાડેજા ટોપ ટેનમાંથી આઉટ થઇ ગયો છે.
જાન્યુઆરી 2018માં દક્ષિણ આફ્રિકા સામે રમીને પોતાની ટેસ્ટ કેરિયરની શરૂઆત કરનાર બુમરાહે અત્યાર સુધીમાં માત્ર 12 ટેસ્ટ રમી છે અને તેમાં તે કુલ મળીને 62 વિકેટ લઇ ચુક્યો છે. વેસ્ટઇન્ડિઝ સામેની બે ટેસ્ટમાં તેણે કુલ 13 વિકેટ લીધી છે. જેમાં પહેલી ટેસ્ટમાં 5 અને બીજી ટેસ્ટમાં હેટ્રિક સાથે 8 વિકેટ લીધી છે.
દક્ષિણ આફ્રિકા સામેની ઘરઆંગણાની સિરીઝમાં આગળ નીકળવાની બુમરાહને તક
ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં જે ઝડપથી પ્રગતિ કરીને ત્રીજા ક્રમે પહોંચ્યો છે તે જોતા એવું લાગે છે કે વનડે રેન્કિંગ પછી હવે ટેસ્ટ રેન્કિંગમાં પણ તે પોતાનું પ્રભુત્વ જમાવી દેશે. માત્ર 12 ટેસ્ટમાં તે 835 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે પહોંચ્યો છે. અને તેની આગળ 908 પોઇન્ટ સાથે પેટ કમિન્સ પહેલા જ્યારે 851 પોઇન્ટ સાથે રબાડા બીજા ક્રમે છે. આ સમયે ઓક્ટોબરથી ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે શરૂ થનારી ટેસ્ટ સિરીઝમાં તેની પાસે પોતાની રેન્કિંગ સુધારવાની તક રહેશે.