જમૈકામાં રમાયેલી બીજી ટેસ્ટના બીજા દાવમાં પહેલા બોલે જ આઉટ થવાનું ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને મોટુ નુકસાન થયું છે અને તેણે ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બેટ્સમેનનો તાજ ગુમાવ્યો છે. આઇસીસી દ્વારા મંગળવારે જાહેર કરાયેલા ટેસ્ટ રેન્કિંગમા કોહલી ટોપ ટેન બેટ્સમેન રેન્કિંગમાં બીજા સ્થાને સરકી ગયો છે અને પહેલા સ્થાને ઓસ્ટ્રેલિયાનો માજી કેપ્ટન સ્ટીવ સ્મિથ પાછો ફર્યો છે. સ્મિથ હવે 904 રેટિંગ પોઇન્ટ સાથે પહેલા ક્રમે છે, જ્યારે વિરાટ કોહલી 903 રેટિંગ પોઇન્ટ સાથે બીજા ક્રમે છે.
જમૈકા ટેસ્ટના પહેલા દાવમાં વિરાટે 76 રનની ઇનિંગ રમી હતી પણ બીજા દાવમાં તે પહેલા બોલે જ આઉટ થતાં તેના રેટિંગ પોઇન્ટમાં કપાત મુકાયો હતો અને એ કપાતને કારણે એશિઝમાં ત્રીજી ટેસ્ટ ન રમી શકેલો સ્મિથ તેના કરતાં એક પોઇન્ટ આગળ નીકળી ગયો હતો.
ઓગસ્ટ 2018માં પોતાનું નંબર વનનું સ્થાન ગુમાવનારા સ્મિથે એક વર્ષના પ્રતિબંધ પછી ફરી નંબર વન પર પાછા ફરવા માટે માત્ર 3 ઇનિંગ જ રમી છે. તે 2015થી 2018 સુધી સતત નંબર વનના સ્થાને રહ્યો હતો. તે પછી માર્ચ 2018માં બોલ ટેમ્પરિંગ પ્રકરણમાં તેના પર પ્રતિબંધ લદાયો હતો અને એ દરમિયાન તેણે નંબર વનનું સ્થાન ગુમાવ્યું હતું.