સબીના પાર્કમાં રમાયેલી બીજી ટેસ્ટમાં વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમે વેસ્ટઇન્ડિઝને 257 રને હરાવીને 2-0થી સિરીઝ કબજે કરી લઇને વેસ્ટઇન્ડિઝનો સંપૂર્ણ સફાયો કરી દીધો હતો. આ વિજયની સાથે જ કોહલી 28 ટેસ્ટ વિજય સાથે 27 ટેસ્ટ જીતનારા મહેન્દ્ર સિંહ ધોનીને ઓવરટેક કરીને ભારતનો સૌથી સફળ કેપ્ટન બન્યો હતો. જો કે વૈશ્વિક ક્રિકેટની દૃષ્ટિએ જોતા વિરાટ સૌથી સફળ કેપ્ટનોની યાદીમાં છઠ્ઠા ક્રમે છે.
વિરાટ કોહલીએ 48 ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનું સુકાન સંભાળ્યું છે અને તેમાંથી 28 ટેસ્ટ તેણે જીતી છે જ્યારે 10માં પરાજય થયો છે તો 10 ટેસ્ટ ડ્રો રહી છે. કોહલીએ સૌથી સફળ કેપ્ટન તરીકે ધોનીને ઓવરટેક કર્યો તે પહેલા તેણે એન્ટીગામાં પહેલી ટેસ્ટ જીતવાની સાથે વિદેશમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન તરીકે સૌરવ ગાંગુલીને ઓવરટેક કર્યો હતો. કોહલીની વિદેશમાં એ 12મી ટેસ્ટ જીત હતી, જ્યારે ગાંગુલીએ વિદેશમાં 11 ટેસ્ટ જીતી હતી.
વિશ્વ ક્રિકેટમાં કોહલીથી આગળ દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથ, ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટીંગ, સ્ટીવ વો, વેસ્ટઇન્ડિઝના ક્લાઇવ લોઇડ અને ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડરના નામ છે.
ટેસ્ટમાં સૌથી સફળ ભારતીય કેપ્ટન
નામ કુલ ટેસ્ટ જીત હાર ડ્રો
વિરાટ કોહલી 48 28 10 10
એમએસ ધોની 60 27 18 15
સૌરવ ગાંગુલી 49 21 13 15
મહંમદ અઝહરુદ્દિન 47 14 14 19
ટેસ્ટ ઇતિહાસમાં સૌથી વધુ મેચ જીતનારા કેપ્ટનો
નામ દેશ કુલ ટેસ્ટ જીત
ગ્રીમ સ્મિથ દક્ષિણ આફ્રિકા 109 53
રિકી પોન્ટીંગ ઓસ્ટ્રેલિયા 77 48
સ્ટીવ વો ઓસ્ટ્રેલિયા 57 41
ક્લાઇવ લોઇડ વેસ્ટઇન્ડિઝ 74 36
એલન બોર્ડર ઓસ્ટ્રેલિયા 93 32
વિરાટ કોહલી ભારત 48 28