સબીના પાર્ક ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં પણ ભારતીય ટીમ જીતીને વેસ્ટઇન્ડિઝને ક્લિનસ્વીપ કર્યું હતું. પહેલા દાવમાં 416 રન કર્યા પછી વેસ્ટઇન્ડિઝની પ્રથમ ઇનિંગ 117 રને સમેટીને ભારતે 299 રનની સરસાઇ મેળવી હતી. તે પછી વેસ્ટઇન્ડિઝને ફોલોઓન ન આપીને ભારતે પોતાનો બીજો દાવ 4 વિકેટે 168 રન કરીને દાવ ડિક્લેર કરીને વેસ્ટઇન્ડિઝ 468 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. જેની સામે વેસ્ટઇન્ડિઝની ટીમ 210 રને ઓલઆઉટ થતાં ભારત 257 રને ટેસ્ટ જીત્યું હતું.
બીજા દાવમાં વિશાળ લક્ષ્ચાંકની સામે વેસ્ટઇન્ડિઝની ટીમ પ્રેશરમાં આવી ગઇ હતી. ઓપનર ક્રેગ બ્રેથવેટ માત્ર 3 રને ઇશાંત શર્માના બોલે વિકેટ પાછળ ઋષભ પંતના હાથમાં ઝિલાયો હતો. તે પછી મહંમદ શમીએ જોન કેમ્પબેલને અંગત 16 રને કેપ્ટન કોહલીના હાથમાં ઝિલાવ્યો હતો.
આ પહેલા ભારતીય ટીમે વેસ્ટઇન્ડિઝને ફોલોઓન ન આપીને પોતાનો બીજો દાવ શરૂ કર્યો હતો. કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ ફરી એકવાર સારી શરૂઆત અપાવવામાં નિષ્ફળ ગયા હતા. મયંક અગ્રવાલ અંગત 4 રને એલબીડબલ્યુ આઉટ થયો હતો. ભારતે 57 રનમાં 4 વિકેટ ગુમાવતા અહીંથી અજિંકેય રહાણેએ નોટઆઉટ 64 અને હનુમા વિહારીએ નોટઆઉટ 53 રન કરીને સ્કોર 4 વિકેટે 168 રન પર પહોંચાડ્યો ત્યારે કેપ્ટન કોહલીએ દાવ ડિકલેર કર્યો હતો.
વેસ્ટઇન્ડિઝે ચોથા દિવસે 2 વિકેટે 45 રનથી દાવ આગળ ધપાવ્યો પછી સ્કોર 55 પર પહોંચ્યો ત્યારે બ્રાવો રિટાયર્ડ હર્ટ થયો હતો. તે પછી 98 રન સુધીના સ્કોરમાં વધુ બે વિકેટ ગુમાવતા તેમનો સ્કોર 4 વિકેટે 98 રન થયો ત્યાંથી કન્કશન સબસ્ટીટ્યૂટ તરીકે બેટિંગમાં ઉતરેલા જેર્માઇન બ્લેકવુડ અને બ્રુક્સે મળીને 61 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારી બુમરાહે તોડ્યા પછી અર્ધસદી ફટકારી બ્રુકસ રનઆઉટ થયો અને હેટમાયર એજ ઓવરમાં જાડેજાના બોલે આઉટ થયો અને તે પછી કોર્નવાલને શમીએ પેવેલિયન ભેગો કર્યો હતો. કેમાર રોચને શમીએ અને જેસન હોલ્ડરને જાડેજાએ આઉટ કરતાં 210 રને તેઓ ઓલઆઉટ થયા હતા.