ડિફેન્ડીંગ ચેમ્પિયન નાઓમી ઓસાકા અને ત્રણ વારના ચેમ્પિયન રફેલ નડાલ અહીં પોતપોતાની મેચ જીતીને અંતિમ 16માં પહોંચી ગયા છે. ઓસાકાએ 15 વર્ષીય તરૂણી કોકો ગોફને સરળતાથી હરાવી ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે નડાલ દક્ષિણ કોરિયન ક્લવોલિફાયર ચુંગ હિયોનને હરાવીને પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યો હતો.
ઓસાકાએ કોકોને 6-3, 6-0થી હરાવી હતી. ઓસાકાનો સામનો સ્વિટ્ઝરલેન્ડની 13મી ક્રમાંકિત બેલિન્ડા બેનસીચ સાથે થશે. બેનસીચને ત્રીજા રાઉન્ડમાં તેની હરીફ એનેટ કોન્ટાવેટ બિમાર હોવાને કારણે વોકઓવર મળતા તે ચોથા રાઉન્ડમાં પ્રવેશી છે.
આ તરફ નડાલે ક્વોલિફાયર ચુંગ હિયોનને 6-3, 6-4, 6-2થી હરાવ્યો હતો, હવે તેનો સામનો 2014ના ચેમ્પિયન મારિન સિલિચ સાથે થશે. સિલિચે જોન ઇસ્નર સામે ચાર સેટ સુધી ચાલેલા મુકાબલામાં 7-5, 3-6, 7-6, 6-4થી વિજય મેળવ્યો હતો. આ સિવાય આન્દ્રેઇ રુબલેવે નિક કિર્જિયોસને 7-6, 7-6, 6-3થી જ્યારે ગાએલ મોનફિલ્સે ડેનિસ શાપોવાલોવને 6-7, 7-6, 6-4, 6-7 6-3થી હરાવ્યો હતો. આ ઉપરાંત મેટેયો બેરેટિનીએ એલેક્સી પોપિરિનને 6-4, 6-4, 6-7, 7-6થી જ્યારે ડિએગો શ્વાર્ટઝમેને ટેનિસ સેન્ડગ્રીનને 6-4, 6-1, 6-3થી હરાવી ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.