જમૈકાના સબીના પાર્ક ખાતે બીજી ટેસ્ટના બીજા દિવસે શનિવારે વેસ્ટઇન્ડિઝની ઇનિંગની 9મી ઓવરમાં જસપ્રીત બુમરાહે સતત ત્રણ બોલમાં ડેરેન બ્રાવો, શાહમાર બ્રુક્સ તેમજ રોસ્ટન ચેઝની વિકેટ ઉપાડીને હેટ્રિક ઉપાડીને ઇતિહાસના પાના પર પોતાનું નામ નોંધાવ્યું હતું અને તે ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક ઝડપનારો ત્રીજો ભારતીય બોલર બન્યો હતો. બુમરાહ પહેલા ટેસ્ટ ક્રિકેટમાં ભારત વતી હરભજન સિંહ અને ઇરફાન પઠાણ હેટ્રિક ઉપાડી ચુક્યા છે. હરભજન સિંહે 2001માં ઓસ્ટ્રેલિયા સામેની કોલકાતા ટેસ્ટમાં રિકી પોન્ટીંગ, એડમ ગિલક્રિસ્ટ અને શેન વોર્નની વિકેટ ઝડપીને હેટ્રિક ઉપાડી હતી, તેના પછી 2006માં ઇરફાન પઠાણે સલમાન બટ, યૂનિસ ખાન અને મહંમંદ યુસુફની વિકેટ ખેરવીને હેટ્રિક ઝડપી હતી.
બીજી ટેસ્ટમાં ભારતના જસપ્રીત બુમરાહે હેટ્રિક ઉપાડી તેની સાથે જ ઓગસ્ટ મહિનાથી શરૂ થયેલી આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં હેટ્રિક લેનારો તે પહેલો બોલર બન્યો હતો. અહીં એ ઉલ્લેખનીય છે કે વન-ડે વર્લ્ડકપમાં પણ પહેલી હેટ્રિક લેવાનો રેકોર્ડ ભારતીય બોલરના નામે છે. 1987ના વર્લ્ડકપમાં ચેતન શર્માએ ન્યુઝીલેન્ડ સામે હેટ્રિક ઉપાડીને આ રેકોર્ડ બનાવ્યો હતો.
ભારત વતી ટેસ્ટમાં હેટ્રિક ઝડપનારા બોલર
બોલર હરીફ ટીમ સ્થળ વર્ષ
હરભજન સિંહ ઓસ્ટ્રેલિયા કોલકાતા 2001
ઇરફાન પઠાણ પાકિસ્તાન કરાચી 2006
જસપ્રીત બુમરાહ વેસ્ટઇન્ડિઝ કિંગસ્ટન 2019