જમૈકામાં રમાઇ રહેલી આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળની બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે હનુમા વિહારીની મેઇડન સદી તેમજ ઇશાંત શર્માની મેઇડન અર્ધસદીની મદદથી 416 રનનો સ્કોર બનાવ્યા પછી ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહની હેટ્રિક સહિતની છ વિકેટથી વેસ્ટઇન્ડિઝની ટીમ 87 રનમાં 7 વિકેટ ગુમાવીને લથડી પડી હતી. તે પછી ત્રીજા દિવસે રમતના પહેલા સત્રમાં જ મહંમદ શમી, ઇશાંત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ બાકી રહેલી ત્રણ વિકેટનું પતન કરતાં વેસ્ટઇન્ડિઝનો પહેલો દાવ 117 રને સમેટાયો હતો અને ભારતને 299 રનની સરસાઇ મળી હતી.
ભારતીય ટીમે 302 રને 7મી વિકેટ ગુમાવ્યા પછી વિહારી અને ઇશાંત વચ્ચે 8મી વિકેટની 112 રનની ભાગીદારીથી ભારત 400 પાર પહોંચ્યું હતું. વિહારીએ પોતાની કેરિયરની પહેલી સદી ફટકારી હતી જ્યારે ઇશાંતે પણ તેનો સારો સાથ નિભાવીને કેરિયરની પહેલી અર્ધસદી ફટકારી હતી. ઇશાંત 67 રન કરીને જ્યારે વિહારી 111 રન કરીને આઉટ થયા હતા.
વેસ્ટઇન્ડિઝની ટીમ દાવ લેવા ઉતરી ત્યારે બુમરાહની સામે તેઓની બેિટંગ લાઇનઅપ જાણે કે ગુમરાહ થઇ ગઇ હતી અને તેના કારણે બીજા દિવસની રમતના અંત સુધીમાં વેસ્ટઇન્ડિઝની ટીમ 87 રનમાં 7 વિકેટ ગુમાવીને બેકફૂટ પર ધકેલાઇ ગઇ હતી. ત્રીજા દિવસે રમત શરૂ થયા પછીની પાંચમી ઓવરમાં શમીએ રહકીમ કોર્નવાલને ગલીમાં ઉભેલા અજિંકેય રહાણેના હાથમાં ઝડપાવીને 8મી વિકેટનું પતન કર્યું હતું. તે પછી ઇશાંત શર્માએ હેમિલ્ટનને તો રવિવદ્ર જાડેજાએ રોચને આઉટ કરતા તેમની ટીમ 117 રને ઓલઆઉટ થઇ હતી.