ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ વિમ્બલ્ડનના ચોથા રાઉન્ડમાં હારવા પહેલા પોતાના જોરદાર પ્રદર્શનથી તમામને પ્રભાવિત કરનારી અમેરિકન કોરી કોકો ગોફે અહીં બીજા રાઉન્ડમાં હંગેરીની ક્વોલિફાયર ટિમીયા બાબોસને 6-2, 4-6, 6-4થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પહોંચી તેની સાથે જ તે 1996 પછી યુએસ ઓપનના ત્રીજા રાઉન્ડમાં પહોંચનારી સૌથી યુવા ખેલાડી બની હતી. આ પહેલા 1996માં એના કોર્નિકોવા યુએસ ઓપનના ત્રીજા રાઉન્ડમાં પહોંચનારી સૌથી યુવા ખેલાડી બની હતી. હવે 23 વર્ષ પછી કોકો ગોફે તેમાં પોતાનું નામ લખાવ્યું છે.
સિમોના હાલેપ સતત ત્રીજીવાર ત્રીજા રાઉન્ડમાં ન પહોંચી
વિશ્વની ચોથી ક્રમાંકિત મહિલા ખેલાડી અને આ વર્ષની વિમ્બલ્ડન ચેમ્પિયન સિમોના હાલેપ બીજા રાઉન્ડમાં અપસેટનો શિકાર બની તેની સાથે જ સતત ત્રીજીવાર યુએસ ઓપનના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશવાથી વંચિત રહી ગઇ હતી. આ પહેલા તે 2017 અને 2018માં પહેલા રાઉન્ડમાં જ હારીને આઉટ થઇ હતી. 2016માં તે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી.
રફેલ નડાલ રમ્યા વગર ચોથા રાઉન્ડમાં પહોંચ્યો
ત્રણવારનો યુએસ ઓપન ચેમ્પિયન સ્પેનિશ રફેલ નડાલ ત્રીજા રાઉન્ડમાં એક પણ બોલને હીટ કર્યા વગર ચોથા રાઉન્ડમાં પહોંચી ગયો હતો. ત્રીજા રાઉન્ડમાં નડાલનો હરીફ ઓસ્ટ્રેલિયન ખેલાડી થનાસી કોવ્કિનકિસ ઇજાને કારણે મેચમાંથી હટી ગયો હતો અને તેના કારણે નડાલને વોકઓવર મળ્યું હતું. હવે નડાલ અંતિમ 16માં સ્થાન મેળવવા માટે ચોથા રાઉન્ડમાં દક્ષિણ કોરિયાના ક્વોલિફાયર ચુંગ હેયોન સામે રમશે.