ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ઓપનર નયંક અગ્રવાલની અર્ધસદીના પ્રતાપે અહીંના સબીના પાર્ક પર શુક્રવારથી શરૂ થયેલી વેસ્ટઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં પ્રથમ દાવ લઇ પહેલા દિવસના અંતે 5 વિકટે 264 રન બનાવી લીધા હતા. રમત બંધ રહી ત્યારે ઋષભ પંત 27 અને હનુમા વિહારી 42 રને રમતમાં હતા.
વેસ્ટઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. ભારતીય ટીમ વતી દાવની શરૂઆત કરવા ઉતરેલા કેએલ રાહુલ અને મયંક અગ્રવાલે ઝડપી શરૂઆત કરીને 6.5 ઓવરમાં બોર્ડ પર 32 રન મુક્યા હતા અને એ સ્કોર પર ભારતે રાહુલની વિકેટ ગુમાવી હતી. તે પછીની પાંચ ઓવરમાં ભારતીય ટીમના સ્કોરમાં માત્ર 3 રનનો ઉમેરો થયો હતો. જેસન હોલ્ડરના બોલે રાહુલ અંગત 13 રને સ્લીપમાં રહકીમ કોર્નવેલના હાથમાં ઝીલાયો હતો. તે પછી સ્કોર જ્યારે 46 રન પર પહોંચ્યો ત્યારે ભારતે ચેતેશ્વર પુજારાની વિકેટ ગુમાવી હતી. પુજારા 25 બોલમાં 6 રન કરીને આઉટ થયો હતો. કોર્નવાલની આ પહેલી ટેસ્ટ વિકેટ રહી હતી.
અહીંથી કોહલી અને મયંકે બાજી સંભાળી લઇ ત્રીજી વિકેટ માટે 69 રનની ભાગીદારી કરી હતી. મયંક 55 રન કરીને આઉટ થયો તે પછી કોહલી અને રહાણેએ 49 રનની ભાગીદારી કરી હતી, રમતના અંતિમ સેશનમાં રહાણે 24 રન કરીને જ્યારે કોહલી 76 રન કરીને આઉટ થયા હતા. પંત અને વિહારીએ મળીને 62 રનની નોટઆઉટ ભાગીદારી કરી છે.