ચાર વાર ઓલિમ્પિક્સમાં રમી ચુકેલા હોકી ખેલાડી ધનરાજ પિલ્લાઇએ કહ્યું હતું કે તેને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય હોકી ટીમ આવતા વર્ષે યોજાનારા ટોક્યો ઓલિમ્પિક્સ માટે કવોલિફાઇ કરી લેશે. સાથે જ તેણે કહ્યું હતું કે ભારતીય ટીમ હાલમાં હોકી રમતા અન્ય ટોચના દેશોની ટીમની બરોબરી પર જ છે.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા નેશનલ સ્પોર્ટસ ડે નિમિત્તે અહીં યોજાયેલા એક કાર્યક્રમમાં પિલ્લાઇએ ગુરૂવારે રાત્રે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં આપણે ઓસ્ટ્રેલિયા, જર્મની, હોલેન્ડ, આર્જેન્ટીના અને બેલ્જિયમની બરોબરી પર છીએ. તેથી ભારતીય ટીમે કોઇની પણ સામે રમવાનું આવે ડરવું ન જોઇએ અને સંપૂર્ણ આત્મવિશ્વાસથી આગળ વધવું જોઇએ. ધનરાજે એવું ઉમેર્યું હતું કે એ ઘણું મહત્વનું છે કે આપણે પહેલા ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઇ કરીએ. આ મારું જ નહીં પણ સમગ્ર હોકી જગતનું સ્વપ્ન છે કે ભારતને ઓલિમ્પિક્સ મેડલ મળવો જોઇએ. કારણકે આપણે હોકીમાં છેલ્લે 1980માં ઓલિમ્પિક્સ મેડલ જીત્યા હતા અને તે પછી આપણે તેના માટે ઝઝુમતા જ રહ્યા છીએ.