ભારતીય બેડમિન્ટન સ્ટાર અને ગોલ્ડન ગર્લ પીવી સિંધુ શુક્રવારે આંધ્રપ્રદેશના તિરુમાલા સ્થિત વેંક્ટેશ્વર મંદિરના દર્શનાર્થે અને પૂજા માટે પરિવાર સાથે પહોંચી હતી. સિંધુએ પોતાના પરિવારજનો સાથે ભગવાનની પૂજા કરવાની સાથે જ અભિષેકમ સેવામાં પણ ભાગ લીધો હતો. ભગવાન વેંક્ટેશ્વરમાં ઉંડી આસ્થા ધરાવનાર સિંધુ વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી આ પ્રાચિન મંદિરમાં પુજા કરવા માટે આવી હતી.
મંદિરના અધિકારીઓએ માહિતી આપી હતી કે પીવી સિંધુ પોતાના માતા-પિતા સાથે ત્રિચુર સ્થિત દેવી પદ્માવતીના મંદિરમાં ગુરૂવારે સાંજે દર્શન કરવા પહોંચી હતી અને ત્યાં પૂજા કર્યા પછી સિંધુ પોતાના પરિવાર સાથે મંદિરમાં જ રાત્રિ રોકાણ કર્યું હતું અને ત્યાંથી બીજા દિવસે તે તિરુમાલા પર્વત પર આવેલા ભગવાન વેંકટેશ્વરના મંદિરમાં પહોંચી હતી. સિંધુએ પોતાની પૂજા પછી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ટાઇટલ જીત્યા પછી હું ઇશ્વરનો આભાર માનવા માટે અહીં આવી હતી.