આઇએસએસએફ શૂટિંગ વર્લ્ડકપ 2019માં પુરૂષોની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ભારતીય શૂટર અભિષેક વર્માએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જ ઇવેન્ટમાં યુવા શૂટર સૌરભ ચૌધરીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિવાય સંજીવ રાજપૂતે 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
અભિષેક વર્માએ ગુરૂવારે 50 મીટર એર પિસ્તોલ ઇવેન્ટની 8 શૂટરની ફાઇનલમાં 244.2 પોઇન્ટ મેળવ્યા હતા. જ્યારે 17 વર્ષના સૌરભે 221.9 પોઇન્ટ મેળવ્યા હતા. આ ઇવેન્ટમાં સિલ્વર મેડલ તુર્કીના ઇસ્માઇલ કેલેસે જીત્યો હતો, જેણે 243.1નો સ્કોર કર્યો હતો. સૌરભ આ વર્ષે પાંચ ગોલ્ડ મેડલ જીતી ચુક્યો છે અને આ વર્ષમાં આ તેનો છઠ્ઠો આઇએસએસએફ વર્લ્ડકપ મેડલ છે.
સંજીવ રાજપૂતે જોરદાર પ્રદર્શન કરીને 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં 462 પોઇન્ટ મેળવીને સિલ્વર મેડલ જીત્યો હતો. તે 0.2 પોઇન્ટ માટે ગોલ્ડ મેડલ જીતતા ચુક્યો હતો. ક્રોએશિયાના પીટર ગોરેસાએ 462.2 પોઇન્ટ સાથે ગોલ્ડ જીત્યો હતો. આ સાથે જ સંજીવે આ સ્પર્ધામાં ભારત માટે પહેલો ઓલિમ્પિક્સ ક્વોટા પણ મેળવી લીધો હતો. આવતા વર્ષે ટોક્યોમાં યોજાનારા ઓલિમ્પિક્સ માટે ક્વોટા મેળવનાર સંજીવ 8મો ભારતીય શૂટર બન્યો છે. ભારત હવે મેડલ ટેલીમાં બે ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ સાથે ટોચના સ્થાને છે.