પાંચમી ક્રમાંકિત એલિના સ્વિતોલીના સામેની બીજા રાઉન્ડની મેચમાં વીનસ વિલિયમ્સ જ્યારે રમત પરનો પોતાનો કાબુ ગુમાવી રહી હતી ત્યારે તેના મગજે પણ કામ કરવાનું જાણે કે બંધ કરી દીધું હોય તેમ તેણે ચાલુ મેચ દરમિયાન કોફી મગાવીને પીધી હતી. વીનસ પહેલો સેટ હારી ચુકી હતી અને તે સમયે તેણે કોફી મગાવી હતી. જો કે બોલ બોય કોફી લઇને આવે તે પહેલા વીનસ લોકર રૂમ તરફ ગઇ હતી અને તેની પાછળ પાછળ બોલ બોય પણ ગયો હતો. જો કે તે પ્રવેશ પ્રતિબંધીત વિસ્તાર પાસે અટકી ગયો અને તેણે પ્લેયર્સ બેન્ચ પર કોફી મુકી દીધી જે વિનસે બાથરૂમ બ્રેકમાંથી પાછી ફરીને પીધી હતી.
જોકોવિચે ખભાના દુખાવા માટે ચાલુ મેચે સારવાર લેવી પડી
યુએસ ઓપનની બીજા રાઉન્ડની જુઆન ઇગ્નેસિયો લોન્ડેરો સામેની મેચ દરમિયાન નંબર વન જોકોવિચ ખભાના દુખાવાથી પીડાયો હતો અને તે છતાં તેણે આ મેચ જીતી હતી. દુખાવો વધી જતાં તેણે ચાલુ મેચે સારવાર લેવી પડી હતી. તેણે કહ્યું હતું કે દુખાવાને કારણે મારી સર્વિસ અને બેકહેન્ડ પર અસર પડી રહી હતી. મારી ખરેખર આકરી કસોટી થઇ, કારણ દુખાવાની સાથે રમવું સરળ નહોતું.