મેજર ધ્યાનચંદના જન્મદિવસે દેશમાં આજે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી થવાની સાથે જ દર વર્ષની જેમ રમત પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા. જો કે આ પુરસ્કાર વિતરણમાં બજરંગ પુનિયા અને રવિન્દ્ર જાડેજા સહિત કુલ છ એવોર્ડી વિદેશમાં હોવાથી ગેરહાજર રહ્યા હતા. આ તમામ સ્વદેશ પરત ફરે તે પછી હવે રમત મંત્રી કિરણ રિજિજૂના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવશે.
રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે પસંદ થયેલો રેસલર બજરંગ પુનિયા હાલમાં કઝાકિસ્તાન ખાતે યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપની તૈયારીમાં વ્યસ્ત છે. તેના સિવાય અર્જુન એવોર્ડ માટે પસંદ થયેલો રવિન્દ્ર જાડેજા હાલમાં વેસ્ટઇન્ડિઝ પ્રવાસે ટીમની સાથે છે. જ્યારે શૂટર અંજુમ મોદગિલ, પેરા જેવેલિન થ્રોઅર સુંદર સિંહ ગુર્જર, શોટપુટર તેજિન્દર પાલ સિંહ તૂર તેમજ દ્રોણાચાર્ય એવોર્ડ માટે પસંદ થયેલા કોચ મોહિન્દર સિંહ ધિલ્લો પણ વિદેશમાં તૈયારીમાં કે ટુર્નામેન્ટમાં વ્યસ્ત હોવાને કારણે ગેરહાજર રહ્યા હતા.