યુએસ ઓપનના પહેલા રાઉન્ડમાં જ 2017માં અહીં ચેમ્પિયન થયેલી 11મી ક્રમાંકિત અમેરિકન મહિલા ખેલાડી સ્લોએન સ્ટીફન્સનો રશિયન ક્વોલિફાયર એના કલિન્સ્કાયા સામે સીધા સેટમાં પરાજય થતાં આશ્ચર્ય ફેલાયુ હતું. કલિન્સ્કાયાને આ ચેમ્પિયન અમેરિકન ખેલાડીને હરાવવામાં સ્હેજ પણ તકલીફ પડી નહોતી અને રશિયન ક્વોલિફાયર પોતે એક ચેમ્પિયનની જેમ રમીને જાણે કે તેની સામે કોઇ નવોદિત ખેલાડી હોય તે રીતે મેચ જીતી ગઇ હતી.
એના કલિન્સ્કાયાએ 11મી ક્રમાંકિત સ્લોએન સ્ટીફન્સને સીધા સેટમાં પરાજીત કરતાં 6-3, 6-4થી જીત મેળવીને આગેકૂચ કરી હતી. આર્થર એશ સ્ટેડિયમ પર રમાયેલી આ મેચમાં પહેલા રાઉન્ડમાં જ અમેરિકાની ઉચ્ચ ક્રમાંકિત એવી સ્ટીફન્સને આઉટ કરીને સનસનાટી મચાવી દીધી હતી. આ મેચમાં કલિન્સ્કાયાએ બે એશ ફટકારી હતી, જ્યારે સ્ટીફન્સ એકપણ એશ ફટકારી શકી નહોતી. તેણે 3 બ્રેકપોઇન્ટ મેળવ્યા હતા, જ્યારે સ્ટીફન્સ માત્ર 1 બ્રેક પોઇન્ટ મેળવી શકી હતી.