છેલ્લા ઘણાં સમયથી પોતાનું 24મું ગ્રાન્ડસ્લેમ જીતવાની કવાયતમાં જોતરાયેલી સેરેના વિલિયમ્સે અહીં સોમવારે મારિયા શારાપોવા સામે સાવ સરળતાથી જીત મેળવીને યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટમાં જોરદાર શરૂઆત કરી છે. સેરેના ઉપરાંત મહિલા સિંગલ્સમાં એશ્લી બાર્ટી, કેરોલિના પ્લીસકોવા એલિના સ્વિતોલીના, વીનસ વિલિયમ્સ પણ પ્રથમ રાઉન્ડની મેચ જીતીને આગળ વધ્યા છે. જ્યારે પુરૂષ સિંગલ્સમાં નંબર વન નોવાક જોકોવિચ, જાપાનનો કેઇ નિશિકોરી, સ્ટાન વાવરિંકા, ડેવિડ ગોફીન અને ગ્રિગોર દિમિત્રોવ પણ જીત મેળવીને આગળ વધ્યા છે.
સેરેનાએ શારાપોવાને 6-1, 6-1થી હરાવી હતી. જ્યારે બાર્ટીએ જારિયા ડિયાસ સામે ખરાબ શરૂઆત પછી 1-6, 6-3, 6-2થી જીત મેળવી હતી. પ્લીસકોવાએ પોતાના જ દેશની ટેરેજા માર્ટિનકોવાને 7-6, 7-6થી હરાવી હતી. વીનસ વિલિયમ્સે ઝેંગ સાઇસાઇને 6-1, 6-0થી હરાવી હતી. તો એલિના સ્વિતોલીનાએ વ્હીટની ઓસુગવેને 6-1, 7-5થી હરાવી હતી. 14મી ક્રમાંકિત એન્જેલિક કર્બર જો કે અપસેટનો શિકાર બનીને ક્રિસ્ટીના મેલાદેનોવિચ સામે 5-7, 6-0, 4-6થી હારીને આઉટ થઇ હતી.