યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમથી પોતાની ગ્રાન્ડસ્લેમ કેરિયરની શરૂઆત કરનાર ભારતના સુમિત નાગલે દિગ્ગજ ટેનિસ ખેલાડી રોજર ફેડરર સામે પહેલો સેટ જીત્યો તેની સાથે જ તેણે રેકોર્ડ બુકમાં પોતાનું નામ સામેલ કર્યું હતું. નાગલ છેલ્લા 20 વર્ષમાં ગ્રાન્ડસ્લેમની પુરૂષ સિંગલ્સના મુખ્ય ડ્રોમાં એક સેટ જીતનારો માત્ર ચોથો ભારતીય બન્યો છે. જો કે તેણે આ એક સેટ 20 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતનાર રોજર ફેડરર સામે જીત્યો હોવાથી તેનું મહત્વ અનેરું છે. તેના પહેલા છેલ્લા બે દશકામાં ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટમાં માત્ર સોમદેવ દેવબર્મન, યુકી ભાંબરી અને સાકેત માયનેની જ એક સેટ જીતવામાં સફળ થયા છે.
પહેલા સેટમાં સુમિત નાગલે ફેડરરને નેટ પર આવવાની તક જ ન આપી
સોમવારે રાત્રે રમાયેલી મેચમાં પહેલા સેટમાં સુમિત નાગલે જે રમત બતાવી તે ઘણાંને પ્રભાવિત કરી ગઇ હતી. ખાસ તો ફેડરરની સ્ટાઇલ નેટ પર આવીને રમવાની છે, જો કે પહેલા સેટમાં સુમિત નાગલ એટલો હાવી રહ્યો હતો અને તેણે એવા જોરદાર રિટર્ન અને ફોરહેન્ડ શોટ માર્યા હતા કે ફેડરરને નેટ પર આવવાની તક જ મળી નહોત. આ દરમિયાન ફેડરર પોતાની ભુલો પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેણે 19 ભુલો કરી તેની સામે નાગલે માત્ર 9 ભુલો કરી હતી.
નાગલે પોતાના રિટર્ન અને ફોરહેન્ડથી તમામનું ધ્યાન ખેંચ્યુ
સોમવારે રાત્રે રમાયેલી મેચમાં ફેડરર જ્યારે એટીપી રેન્કિંગમાં 190મો ક્રમાંક ધરાવતા ખેલાડીને સમજવાનો પ્રયાસ કરતો હતો, ત્યારે સુમિત નાગલે પોતાના રિટર્ન અને ફોરહેન્ડ વડે તમામનું ધ્યાન ખેંચ્યુ હતું. ફેડરર અને દર્શકો કંઇ સમજે તે પહેલા તેણે બીજીવાર ફેડરરની સર્વિસ બ્રેક કરી અને તે પછી 0-30થી પાછળ હોવા છતાં પોતાની સર્વિસ બચાવી
સુમિત નાગલનું ભવિષ્ય ઉજ્જવળ : રોજર ફેડરર
સ્વિસ દિગ્ગજ ટેનિસ સ્ટાર રોજર ફેડરરે યુએસ ઓપનના પહેલા રાઉન્ડમાં સુમિત નાગલ સામે વિજય મેળવ્યા પછી કહ્યું હતું કે ભારતીય યુવા ટેનિસ ખેલાડી સુમિત નાગલનું ભાવિ ઉજ્જવળ છે. ફેડરરે મેચ પછી કહ્યું હતું કે મારું માનવું છે કે તે જાણે છે કે તે પોતે શું કરી શકે છે. તેથી હું માનું છું કે તેની કેરિયર સારી રહેશે. સાથે જ તેણે ઉમેર્યું હતું કે આ એવી રમત નથી કે જે સૌથી મોટુ આશ્ચર્ય તમારી સામે લાવે છે. તેમાં તમારે સાતત્ય જાળવવાનું હોય છે. મને લાગે છે કે તેણે આજે સારું પ્રદર્શન કર્યું.