દિલ્હી એન્ડ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ)એ મંગળવારે ફિરોજ શા કોટલા સ્ટેડિયમને પોતાના માજી અધ્યક્ષ દેશના માજી નાણાં મંત્રી અને જેમનું ગત અઠવાડિયે જ નિધન થયું છે તે અરુણ જેટલીનું નામ આપવાનો નિર્ણય કર્યો છે. આ સ્ટેડિયમ હવેથી અરુણ જેટલી સ્ટેડિમય તરીકે ઓળખાશે અને તેનું નવું નામકરણ 12 સપ્ટેમ્બરે યોજાનારા એક સમારોહમાં કરવામાં આવશે.
આ સ્ટેડિયમમાં એક સ્ટેન્ડનું નામ અગાઉ થયેલી જાહેરાત અનુસાર વિરાટ કોહલી સ્ટેન્ડ પણ કરવામાં આવશે. ડીડીસીએના અધ્યક્ષ રજત શર્માએ કહ્યું હતું કે એ અરુણ જેટલીનો સહકાર અને પ્રોત્સાહન જ હતા જેનાથી વિરાટ કોહલી, વિરેન્દ્ર સેહવાગ, ગૈતમ ગંભીર, આશીષ નેહરા અને ઋષભ પંત જેવા ઘણાં ખેલાડીઓએ ભારતને ગૌરવાન્વિત કર્યા.
આ નામકરણ સમારોહ જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં યોજાશે અને તેમાં ગૃહ મંત્રી અમિત શાહ તેમજ રમત મંત્રી કિરણ રિજિજૂ પણ હાજરી આપશે. એ ઉલ્લેખનીય છે કે સ્ટેડિયમને આધુનિક સુવિધા સજ્જ બનાવવા અને તેની દર્શક ક્ષમતા વધારવાની સાથે જ તેમાં વર્લ્ડક્લાસ ડ્રેસિંગ રૂમ બનાવવાનું શ્રેય અરુણ જેટલીને જ જાય છે.