ભારતીય મહિલા આર્ચર કોમોલિકા બારીએ રવિવારે વર્લ્ડ યૂથ આર્ચરી ચેમ્પિયનશિપના રિકર્વ કેડેટ વિભાગમાં એક તરફી ફાઇનલમાં જાપાનની ટોચની રેન્કિંગ ધરાવતી સોનાદા વાકાને હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ઝારખંડની 17 વર્ષિય કોમોલિકા અંડર-18 કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયન બનનારી ભારતની બીજી આર્ચર બની હતી, તેના પહેલા દીપિકા કુમારીએ 2009માં આ ટાઇટલ જીત્યું હતું.
વર્લ્ડ આર્ચરી દ્વારા સસ્પેન્શન લાગુ કરાવા પહેલા ભારતે પોતાની અંતિમ ટુર્નામેન્ટમાં બે ગોલ્ડ અને એક બ્રોન્ઝની સાથે પોતાનું અભિયાન પુર્ણ કર્યું છે. આ મહિનાની શરૂઆતમાં વર્લ્ડ આર્ચરીએ ભારતને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. આ સસ્પેન્શન ન હટે ત્યાં સુધી કોઇ ભારતીય દેશનું પ્રતિનિધિત્વ કરી શકશે નહીં. ભારતીય આર્ચરોએ આ પહેલા શનિવારે મિક્ષ્ડ જૂનિયર ડબલ્સમાં ગોલ્ડ અને શુક્રવારે જૂનિયર પુરૂષ ટીમ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.