સજ્જનોની રમત ગણાતી ક્રિકેટને લાગેલો ફિક્સીંગનો ડાઘ ધોવાના લાખ પ્રયાસ પછી પણ તે દૂર થતો નથી, ફરી એકવાર તેના કારણે ક્રિકેટની શાખ ખરડાઇ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ દ્વારા હોંગકોંગના ખેલાડી ઇરફાન અહેમદ અને નદીમ અહેમદ પર મેચ ફિક્સીંગના આરોપ હેઠળ આજીવન પ્રતિબંધ લાદી દીધો છે અને તેમના સાથી ખેલાડી હસીબ અહેમદ પર પાંચ વર્ષનો પ્રતિબંધ લદાયો છે.
સુનાવણી દરમિયાન ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલની એન્ટી કરપ્શન ટ્રિબ્યુનલે સાક્ષીઓને સાંભળ્યા હતા, જેમાં જણાવાયું હતું કે ત્રણે ખેલાડીઓએ મેચ ફિક્સ કરી અથવા તો ફિક્સ કરવાનું કાવતરું ઘડ્યું. આ ઉપરાંત બે વર્ષના ગાળામાં ફિક્સરોએ તેમનો સંપર્ક કર્યો હોવાની માહિતી પણ આપી નહોતી.
આઇસીસીના એસીયુના મેનેજર એલેક્સ માર્શે જણાવ્યું હતું કે લાંબી અને ગુંચવણભરી તપાસ પછી એવું જણાયું કે આ દરમિયાન અનુભવી ઇન્ટરનેશનલ ખેલાડીઓએ મેચ પર અસર નાખવા માટે સુનિયોજિત પ્રયાસ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે બંને અહેમદ ભાઇઓએ અન્યોને ભ્રષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.