નોર્થ સાઉન્ડ (એન્ટીગા), તા. 23 : ગુરૂવારથી અહીં શરૂ થયેલી પ્રથમ ટેસ્ટના આજના બીજા દિવસે ભારત વતી રવિન્દ્ર જાડેજાની વિષમ પરિસ્થિતિ વચ્ચે સંઘર્ષયુક્ત 58 રનની ઇનિંગની મદદથી ભારતીય ટીમે 297 રનનો થોડો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. ભારત વતી આઉટ થનારો અંતિમ બેટ્સમેન રવિન્દ્ર જાડેજા જ રહ્યો હતો અને તે આઉટ થતાંની સાથે જ લંચ બ્રેકની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય ટીમે વેસ્ટઇન્ડિઝની અડધી ટીમને 130 રનના સ્કોરમાં પેવેલિયન ભેગી કરી દીધી છે.
વિષમ પરિસ્થિતિ વચ્ચે જાડેજાએ સંઘર્ષયુક્ત 58 રનની ઇનિંગ રમતા ભારત સન્માનજનક સ્કોરે પહોંચ્યું
શુક્રવારે સવારે ભારતીય ટીમે 6 વિકેટે 203 રનના સ્કોરથી આગળ રમવાનું શરુ કર્યું તે પછી બીજી ઓવરમાં જ ઋષભ પંત આઉટ થયો હતો, તે પોતાના આગલા દિવસના સ્કોરમાં માત્ર 4 રન ઉમેરી 24 રને આઉટ થયો હતો. તે પછી જો કે જાડેજા અને ઇશાંત શર્માએ ગજબની રમત દાખવી હતી.
જાડેજાએ ઇશાંત શર્મા સાથે 8મી વિકેટની ભાગીદારીમાં મહત્વના 60 રન ઉમેર્યા
ઇશાંતે ભલે માત્ર 19 રન જ કર્યા હતા પણ તેણે જાડેજાને સારો સાથ આપ્યો હતો અને તેના કારણે બંનેએ 8મી વિકેટની ભાગીદારીમાં 60 રન જોડ્યા હતા. ઇશાંત આઉટ થયો તે પછી શમી શૂન્ય રને આઉટ થયો હતો. જો કે તે પછી બુમરાહે 15 બોલ સુધી ઝીંક ઝીલીને જાડેજાને અર્ધસદી પુરી કરવામાં સહયોગ કર્યો હતો. જાડેજાએ 11મી અર્ધસદી પુરી કરી અને તે પછી છગ્ગો મારીને તે આઉટ થયો હતો. બુમરાહ 4 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. ભારતીય ટીમ માટે એવું કહી શકાય કે પહેલા દિવસે અજિંકેય રહાણેએ તો બીજા દિવસે રવિન્દ્ર જાડેજાએ ટીમ ઇન્ડિયાની લાજ બચાવી હતી અને આ બંનેના કારણે જ ટીમ 297 રન સુધી પહોંચી હતી.