અહીં રમાઇ રહેલી પ્રવાસી ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે પણ વરસાદી વિઘ્ન યથાવત રહ્યું હતું અને તેના કારણે શુક્રવારે માત્ર 29.3 ઓવરની રમત શક્ય બની હતી. બીજા દિવસે રમત બંધ રહી ત્યારે શ્રીલંકાએ 6 વિકેટના ભોગે 144 રન બનાવ્યા હતા અને સ્ટમ્પના સમયે ધનંજય ડી સિલ્વા 32 અને દિલરુવાન પરેરા 5 રન બનાવીને રમતમાં હતા. વરસાદને કારણે બે દિવસ મળીને કુલ 66 ઓવરની જ રમત શક્ય બની છે.
પ્રથમ દિવસના 2 વિકેટે 85 રનના સ્કોરથી શુક્રવારે દાવ આગળ ધપાવવા ઉતરેલી શ્રીલંકાની ટીમને બે ત્વરીત ઝાટકા લાગ્યા હતા અને ટીમનો અનુભવી બેટ્સમેન એન્જેલો મેથ્યુઝ 2 રન બનાવીને તો કુસલ પરેરા શૂન્ય રને આઉટ થયો હતો. કેપ્ટન કરુણારત્નેએ પોતાની કેરિયરની 22મી અર્ધસદી પુરી કરી તે પછી અંગત 65 રન બનાવી તે આઉટ થયો કે તરત જ નિરોશન ડિકવેલા પણ શૂન્ય રને આઉટ થયો હતો. ડી સિલ્વા અને દિલરુવાન ક્રિઝ પર હતા તે સમયે વરસાદ તૂટી પડતા રમત બંધ રાખવામાં આવી હતી.
250થી વધુ ટેસ્ટ વિકેટ લેનારો ટ્રેન્ટ બોલ્ટ ત્રીજો કીવી બોલર બન્યો
અહીં રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડના બોલર ટ્રેન્ટ બોલ્ટે એન્જેલો મેથ્યુઝની વિકેટ ઉપાડી તેની સાથે જ તે 250 વિકેટ ઉપાડનારો ન્યુઝીલેન્ડનો ત્રીજો બોલર બન્યો હતો. બોલ્ટ પહેલા રિચર્ડ હેડલી અને ડેનિયલ વિટોરી આ સિદ્ધિ મેળવી ચુક્યા છે. હેડલીના નામે 86 ટેસ્ટમાં 431 તો વિટોરીના નામે 112 ટેસ્ટમાં 361 ટેસ્ટ વિકેટ બોલે છે. બોલ્ટે 63મી ટેસ્ટમાં 250 વિકેટ પુરી કરી છે. ટિમ સાઉધી તેની પાછળ જ છે અને તેના નામે 247 વિકેટ છે.