ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં બીજી ક્રમાંકિત ચાઇનીઝ તાઇપેઇની તાઇ ઝુ યિંગને પરાસ્ત કરીને સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. સેમીમાં પ્રવેશની સાથે જ સિંધુએ આ ટુર્નામેન્ટમાં પોતાનો પાંચમો મેડલ પાકો કરી લીધો છે. આ ઉપરાંત પુરૂષ સિંગલ્સમાં બી સાઇ પ્રણીતે ઇન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટીને હરાવીને સેમી પ્રવેશ કર્યો હતો. આ પહેલા અન્ય સ્ટાર શટલર સાઇના નેહવાલ અને કિદામ્બી શ્રીકાંત પોતપોતાની પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં હારીને આઉટ થયા હતા.
71 મિનીટ સુધી ચાલેલી મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં સિંધુએ તાઇ ઝુ યિંગ સામે પહેલી ગેમ ગુમાવી હતી, જો કે તે પછી તેણે મેચમાં જોરદાર વાપસી કરીને સિંધુએ સતત બે ગેમ જીતી લઇને મેચ 12-21, 23-21, 21-19થી જીતી લીધી હતી. મેચ દરમિયાન ત્રીજી ગેમમાં જોરદાર ટક્કર જોવા મળી હતી. તાઇ ઝુએ 8-5ની સરસાઇ બનાવી તે પછી જ્યારે સ્કોર 19-19ની બરોબરી પર હતો ત્યારે સિંધુએ સતત બે પોઇન્ટ મેળવીને મેચ જીતી લીધી હતી. પ્રણીતને જો કે ક્વાર્ટર ફાઇનલમાં જીત મેળવવામાં એટલી મુશ્કેલી પડી નહોતી અને તેણે જોનાથનને સીધી ગેમમાં 24-21, 21-14થી હરાવ્યો હતો.
આ પહેલા સાઇના નેહવાલ ત્રીજા રાઉન્ડમાં ડેન્માર્કની મિયા બ્લિચફેલ્ટ સામે 21-15, 25-27, 12-21થી હારી હતી, જ્યારે કિદામ્બી શ્રીકાંત થાઇલેન્ડના કેન્ટાફોન વાંચારોએન સામે 21-14, 21-13થી હારી ગયો હતો.