વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (વાડા)દ્વારા દેશના એન્ટી ડોપિંગ કાર્યક્રમને એક મોટો ફટકો મારતા ભારતની નેશનલ ડોપ ટેસ્ટ લેબોરેટરી (એનડીટીએલ)ને છ મહિના માટે સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. જો કે વાડાના આ નિર્ણય સામે રમત મંત્રાલયે આશ્ચય વ્યક્ત કરતાં આરોપ મુક્યો હતો કે આ નિર્ણય પાછળ મોટું પ્રોફેશનલ હિત હોઇ શકે છે, સાથે જ મંત્રાલયે આ નિર્ણય સામે અપીલ કરવાનો પણ નિર્ણય કર્યો છે.
આ લેબોરેટરીને વાડા દ્વારા જ 2008માં માન્યતા આપવામાં આવી હતી અને હવે 20 ઓગસ્ટથી આ સસ્પેન્શન પ્રભાવી થતાં અહીં કોઇ સેમ્પલની ટેસ્ટ કરવામાં નહીં આવે. ટોક્યો ઓલિમ્પિક્સ આડે હવે માત્ર એક વર્ષ જેવો સમય બાકી રહ્યો છે ત્યારે વાડા દ્વારા લેવાયેલો આ નિર્ણય ભારત માટે ઘણો જ નિરાશાજનક છે. નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી બ્લડ અને યુરિનના સેમ્પલ તો લઇ શકશે પણ તેણે તેનો ટેસ્ટ વિદેશમાં વાડા દ્વારા માન્યતાપ્રાપ્ત લેબોરેટરીમાં કરાવવો પડશે.
વાડા દ્વારા એક પ્રેસ રિલીઝમાં કહેવાયું હતું કે વાડા દ્વારા કરાયેલી સાઇટ વિઝીટ દરમિયાન આ લેબોરેટરી ઇન્ટરનેશનલ માપદંડ અનુસારની ન હોવાનું જણાયું હતુ અને તે કારણે જ સસ્પેન્શનનો નિર્ણય લેવાયો હતો. રમત મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું હતું કે રમત મંત્રાલય વાડા સામે સ્વિટઝરલેન્ડમાં આવેલી કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટસ (સીએએસ)માં અપીલ કરશે. તેમણે એવું કહ્યું હતું કે અપીલ કરવાની આ પ્રિક્રિયા શરૂ કરી દેવાઇ છે.
વાડાના મતે એનડીટીએલની સેમ્પલ વિશ્લેષણની પદ્ધતિ યોગ્ય નથી
વાડા દ્વારા થોડા સમય પહેલા કરાયેલી એનડીટીએલની વિઝીટમાં તેમણે એવું તારવ્યું હતું કે ભારતની નેશનલ ડોપિંદ ટેસ્ટ લેબોરેટરી દ્વારા સેમ્પલના વિશ્લેષણની જે પદ્ધતિ અપનાવવામાં આવે છે તે યોગ્ય નથી.
એનડીટીએલ ખામીઓ સુધારી લેશે તો બહાલી માટે વહેલી અરજી કરી શકશે
વાડા દ્વારા કહેવાયું હતું કે લેબોરેટરી એક્સપર્ટ ગ્રુપ (લેબઇજી)એ આ વર્ષે મે મહિનામાં વાડાની માન્યતા પ્રાપ્ત લેબોરેટરી સામે ડિસીપ્લનરી પગલાં લેવાનું શરૂ કર્યું હતું અને હવે એ પ્રક્રિયા પુરી થઇ છે. જો એનડીટીએલ લેબઇજીને સંતોષ થાય તે રીતે પોતાની ખામીઓ સુધારી લેશે તો સસ્પેન્શનના છ મહિનાની સમયમર્યાદા પહેલા જ તે પોતાની બહાલી માટે અરજી કરી શકે છે
ભારત અન્ય દેશોમાં સેમ્પલ ટેસ્ટિંગના વધારાના ખર્ચને વહન નહીં કરી શકે : આઇઓએ
વાડા દ્વારા ભારતની નેશનલ ડોપિંગ ટેસ્ટ લેબોરેટરીને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દીધા પછી હવે ભારતીય ખેલાડીઓના ડોપ ટેસ્ટ માટે તેમના સેમ્પલ વિદેશમાં વાડાની માન્યતાપ્રાપ્ત લેબોરેટરીમાં મોકલવા પડશે. આ બાબતે ઇન્ડિયન ઓલિમ્પક્સ એસોસિએશનના અધ્યક્ષ નરિન્દર બત્રાએ કહ્યું હતું કે ભારત થાઇલેન્ડના બેંગકોક સહિતના અન્ય દેશની વાડા માન્ય લેબમાં સેમ્પલ મોકલવાનો વધારાનો ખર્ચ વહન કરી શકે તેમ નથી.