પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ અહીં એવું સ્વીકાર્યુ હતું કે લિયોનલ મેસી સાથે લાંબા સમયથી ચાલતી પ્રતિસ્પર્ધાએ મને શ્રેષ્ઠ ખેલાડી બનાવ્યો છે અને હું આર્જેન્ટીનાના આ મહાન ખેલાડી સાથેની તંદુરસ્ત પ્રતિસ્પર્ધાનો સંપૂર્ણ આંદ માણું છું. તેણે સાથે જ એવું પણ સ્વીકાર્યુ હતું કે તે અને મસી કદી સાથે ફર્યા નથી.
પોર્ટુગલની એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં રોનાલ્ડોએ કહ્યું હતું કે હું તેની સિદ્ધિઓથી અભિભૂત છું. તે પહેલાથી એવું કહી ચુક્યો છે કે મારા સ્પેન છોડવાથી તે ઘણો નિરાશ છે. કારણકે તેને પણ આ પ્રતિસ્પર્ધાની મજા આવે છે. રોનાલ્ડોએ કહ્યું હતું કે આ સારી પ્રતિસ્પર્ધા છે પણ તે અજોડ નથી. માઇકલ જોર્ડનના પણ બાસ્કેટબોલમાં પ્રતિસ્પર્ધી હતા, ફોર્મુલા વનમાં એર્ટન સેના અને એલેન પ્રોસ્ટ પણ એવા જ છે. આ તમામ તંદુરસ્ત પ્રતિસ્પર્ધા છે.
રોનાલ્ડોએ એવું પણ કહ્યું હતું કે જ્યારે હું કોઇ ટ્રોફી જીતું છું તો તેને એ વાતની પીડા થતી હશે, અને જ્યારે તે જીતે છે ત્યારે મારી સાથે પણ એવું થાય છે. આ એક શ્રેષ્ઠ વ્યવસાયિક સંબંધ છે, કારણ અમે 15 વર્ષથી એક જેવો સમય ગાળી રહ્યા છીએ.

ક્રિસ્ટીયાનો રોનાલ્ડો આવતા વર્ષે ફૂટબોલને અલવિદા કરી શકે છે
પોર્ટુગલના દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ એવા સંકેત આપ્યા છે કે તે આવતા વર્ષે નિવૃત્તિ લઇ શકે છે. રોનાલ્ડોને તેની નિવૃત્તિ બાબતે કરાયેલા સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે હું એ બાબતે વિચારતો નથી, કદાચ હું મારી કેરિયરનો અંત આવતા વર્ષે લાવી શકું છું. અથવા તો હું 40 કે પછી 41 વર્ષ સુધી પણ રમી શકું છું. હું નથી જાણતો, હું હંમેશા કહું છું કે દરેક પળનો આનંદ માણો અને તે કરવાનુ હું ચાલુ રાખીશ.