ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન (આઇટીએફ)એ ગહન સુરક્ષા સમીક્ષા પછી પાકિસ્તાન વિરુદ્ધ થનારી ભારતની ડેવિસ કપ ટાઇને ગુરૂવારે નવેમ્બર સુધી સ્થગિત કરી દીધી હતી. જો કે હાલની અસાધારણ પરિસ્થિતિ છતાં આયોજન સ્થળ ઇસ્લામાબાદને જ જાળવી રખાયું છે. બંને દેશો વચ્ચે વધતી રાજકીય તંગદીલીને કારણે આ મુકાબલાને તટસ્થ સ્થળે ખસેડવા અથવા તો પછી સ્થગિત કરવા માટે ભારતે વારંવાર અપીલ કરી હતી. તે પછી આઇટીએફની ડેવિસ કપ સમિતિએ બેઠક કરીને આ ટાઇને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો.
હવે આ ડેવિસ કપ ટાઇની નવી તારીખોની જાણ 9 સપ્ટેમ્બરે કરાશે. આઇટીએફે ક્હ્યું હતું કે તે અસાધારણ પરિસ્થિતિમાં આ ટાઇને સ્થગિત કરી રહ્યું છે. આઇટીએફે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે સ્વતંત્ર નિષ્ણાત સુરક્ષા સલાહકારો દ્વારા પાકિસ્તાનની હાલની સ્થિતિની ઉંડી સુરક્ષા સમિક્ષા કરાયા પછી ડેવિસ કપ કમિટીએએ ઇસ્લામાબાદમાં 14-15 સપ્ટેમ્બરે થનારી ડેવિસ કપ એશિયા-ઓસાનિયા ગ્રુપ વનની ટાઇને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.