ટીમ ઇન્ડિયાના માજી ઓપનર વિરેન્દ્ર સેહવાગે અિનલ કુંબલેને ભારતીય ટીમનો મુખ્ય પસંદગીકાર બનાવવાની ભલામણ કરી છે. સેહવાગે કહ્યું હતું કે માજી કેપ્ટનમાં ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધારવાની ખાસિયત તેને મુખ્ય પસંદગીકાર તરીકે પ્રબળ દાવેદાર બનાવે છે. સેહવાગે તેની સાથે જ આ કામ કરનારાઓની સેલેરી વધારવાની પણ ભલામણ કરી હતી.
હંમેશા પોતાની વાત ખુલીને રજૂ કરનાર સેહવાગે કહ્યું હતું કે બીસીસીઆઇની પસંદગી સમિતિને વધુ સેલેરી મળવી જોઇએ. એમએસકે પ્રસાદની આગેવાની હેઠળની હાલની પસંદગી સમિતિએ હંમેશા લાઇટવેટ હોવાનો આરોપ સહેવો પડે છે. આ સમગ્ર પસંદગી સમિતિ પાસે કુલ મળીને 13 ટેસ્ટ રમવાનો અનુભવ છે. સેહવાગે કહ્યું હતું કે મને લાગે છે કે કુંબલે મુખ્ય પસંદગીકારના પદ માટે યોગ્ય ઉમેદવાર છે.
તેને જ્યારે એવું પુછાયું કે શું તું પોતે આ જવાબદારી સ્વીકારીશ, તો તેણે તરત જ જવાબ આપ્યો હતો કે મને વધુ પડતું બંધન પસંદ નથી. હું કોલમ લખું છું, ટીવી પર આવું છું અને પસંદગીકાર બનું તો મારા પર ઘણી બધી પાબંદી આવી જશે જે મને પસંદ નથી.