ગુરૂવારથી વેસ્ટઇન્ડિઝ સામે પ્રથમ ટેસ્ટ શરૂ થઇ રહી છે ત્યારે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટો શેર કર્યો છે. ફોટોમાં તેની સાથે જસપ્રીત બુમરાહ, રોહિત શર્મા, કેએલ રાહુલ, અજિંકેય રહાણે, ઋષભ પંત સહિતના ખેલાડીઓ અને ટીમ ઇન્ડિયાનો સપોર્ટ સ્ટાફ જોવા મળે છે. ફોટાની ખાસિયત એ છે કે આ તમામ એક બીચ પર પાણીમાં શર્ટલેસ જોવા મળે છે. કોહલીએ ફોટાની કેપ્શનમાં લખ્યું છે કે ટીમના ખેલાડીઓ સાથે દરિયા કિનારે એક જોરદાર દિવસ.
આ પહેલા શિખર ધવન, શ્રેયસ ઐય્યર, મયંક અગ્રવાલ અને ઋષભ પંત સહિતના ખેલાડીઓએ વેસ્ટઇન્ડિઝના કેટલાક ખેલાડીઓ સાથે હોડીમાં સહેલગાહ કરીને પાણીમાં ધુબાકા માર્યા હતા અને પોતાની એ એડવેન્ચર ટ્રીપનો વીડિયો તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો.
ભારતીય ટીમે વેસ્ટઇન્ડિઝ સામેની ટી-20 અને વન-ડે મેચની સિરીઝ જીત્યા પછી હવે તેમની નજર ટેસ્ટ સિરીઝ પર મંડાઇ છે અને ટેસ્ટ સિરીઝમાં વિજેતા બનીને વેસ્ટઇન્ડિઝનો સંપૂર્ણ સફાયો કરવાની ટીમ ઇન્ડિયાની નેમ છે.