ગુરૂવારથી અહીં શરૂ થઇ રહેલી પ્રથમ ટેસ્ટ પહેલા આંકડાઓ પર નજર નાખવામાં આવે તો કેરેબિયન ટીમ મેચ જીતવાના મામલે ટીમ ઇન્ડિયાથી ઘણી આગળ છે. જો કે સાથે જ એક રસપ્રદ આંકડો એ પણ છે કે વેસ્ટઇન્ડિઝની ટીમ છેલ્લા 17 વર્ષથી ભારતીય ટીમને હરાવી શકી નથી. બંને વચ્ચે રમાયેલી કુલ 96 ટેસ્ટમાંથી વેસ્ટઇન્ડિઝ 30માં જ્યારે ભારત 20માં વિજેતા થયું છે, 46 મેચ ડ્રો રહૈી છે.
કોહલીને ધોની અને પોન્ટિંગની બરોબરી કરવાની તક
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને આવતીકાલથી શરૂ થઇ રહેલી વેસ્ટઇન્ડિઝ સામેની પહેલી ટેસ્ટમાં માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને માજી ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટીંગની બરોબરી કરવાની તક છે. જો ભારતીય ટીમ આ ટેસ્ટ જીતશે તો કોહલી ભારત વતી કેપ્ટન તરીકે સર્વાધિક ટેસ્ટ જીતવાના રેકોર્ડની બરોબરી કરી લેશે. આ ઉપરાંત જો કોહલી આ ટેસ્ટમાં સદી ફટકારશે તો 19 સદી સાથે કેપ્ટન તરીકે સર્વાધિક સદી ફટકારવાના પોન્ટીંગના રેકોર્ડની બરોબરી કરી લેશે. જો કોહલી બંને ઇનિંગમાં સદી ફટકારશે તો રિકી પોન્ટીંગનો રેકોર્ડ તે તોડી શકે છે.
અહીં છેલ્લે રમાયેલી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ 187 અને 132માં ઓલઆઉટ થયું હતુ
એન્ટીગાની સર વિવિયન રિચાર્ડસ સ્ટેડિયમની વિકેટ ઝડપી બોલરોને મદદરૂપ હોવાનું કહેવાય છે. અહીં છેલ્લે રમાયેલી ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમ પહેલા દાવમાં 187 અને બીજા દાવમાં 132 રનમાં તંબુભેગુ થયું હતું. ભારતીય ટીમ માટે કેમાર રોચ અને શેનમન ગેબ્રિયલ નવા બોલ વડે પડકાર ઊભો કરી શકે છે અને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી માટે તે મુખ્ય ચિંતાનો વિષય છે.
ભારતીય ટીમ ત્રણ ઝડપી બોલર અને એક સ્પિનર સાથે ઉતરી શકે
અહીંની પીચ ઝડપી બોલરોને મદદરૂપ હોવાનું કહેવાય છે અને તેને ધ્યાને લઇને ભારતીય ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન કોહલી ત્રણ ઝડપી બોલર સહિત ચાર નિષ્ણાત બોલરોને લઇને મેદાને ઉતરી શકે છે. ઝડપી બોલર તરીકે જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા અને મહંમદ શમી નક્કી મનાય છે, જ્યારે સ્પિનર તરીકે રવિચંદ્રન અશ્વિન અને કુલદીપ યાદવમાંથી એકનો સમાવેશ થઇ શકે છે. રવિન્દ્ર જાડેજાને ઓલરાઉન્ડર તરીકે સામેલ કરવામાં આવે તેવી સંભાવના છે.
બેટિંગ લાઇનઅપમાં સંતુલન સાધવાનો ટાસ્ક મુશ્કેલ
ભારતીય ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન કોહલી માટે પહેલી ટેસ્ટમાં બેટિંગ લાઇનઅપનો મુદ્દો કપરા ટાસ્ક સમાન રહી શકે છે. હાર્દિક પંડ્યા જો ઉપલબ્ધ હોત તો કોહલી રહાણે અથવા રોહિતમાંથી એકને બહાર બેસાડી શકતો હતો. જો કે વેસ્ટઇન્ડિઝના હાલના રેકોર્ડને ધ્યાને લેતા તે એક વધારાના બેટ્સમેનને લઇને ઉતરે તેવી સંભાવના વધુ છે. જો તે પાંચ બોલર સાથે ઉતરશે તો આ બેમાંથી એકને બહાર રાખવો પડશે. સૌથી મોટો સવાલ ઓપનીંગ પેરનો છે, મયંક અગ્રવાલ નક્કી મનાય છે પણ તેની સાથે કેએલ રાહુલ કે પછી હનુમા વિહારી તે બાબત તેમને મુંઝવી રહી છે.