ભારતીય ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાની શરૂઆતની પ્રથમ ટેસ્ટ રમવા માટે ગુરૂવારે અહીં જ્યારે વેસ્ટઇન્ડિઝ સામે મેદાને પડશે ત્યારે કેપ્ટન વિરાટ કોહલી સચોટ ટીમ સંયોજન સાથે વિજયી પ્રારંભ કરવાની ઇચ્છશે. વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા, કેએલ રાહુલ અને રોહિત શર્માના નામને ધ્યાને લેતા ઓન પેપર ભારતીય ટીમ ઘણી મજબૂત લાગે છે, જો કે જેસન હોલ્ડરની આગેવાની હેઠળની કેરેબિયન ટીમને એટલી હળવાશથી લેવાની ભુલ તેઓ નહીં જ કરે.
ઇંગ્લેન્ડની ટીમને વેસ્ટઇન્ડિઝના પ્રવાસ દરમિયાન આ વર્ષની શરૂઆતમાં જ સિરીઝ પરાજયનો પરચો મળ્યો છે
આ વર્ષની શરૂઆતમાં ઇંગ્લેન્ડની ટીમને તેમનો પરચો મળી ચુક્યો છે કે જ્યારે વેસ્ટઇન્ડિઝની જીવંત પીચ પર તેઓ ટેસ્ટ સિરીઝમાં 1-2થી પરાજીત થયા હતા. એન્ટીગાના સર વિવિયન રિચર્ડસ સ્ટેડિયમની વિકેટ પણ ઝડપી બોલરોને મદદરૂપ થાય છે. અહીંની વિકેટ પર નવા બોલનો સામનો કરવો પડકારજનક છે. વેસ્ટઇન્ડિઝની ટીમ પ્રતિભાશાળી છે અને તેમની પાસે શાઇ હોપ, જોન કેમ્પબેલ અને શિમરોન હેટમાયરના રૂપમાં ત્રણ પ્રતિભાશાળી યુવા ખેલાડીઓ છે.