ભારતીય પુરૂષ હોકી ટીમે રાઉન્ડ રોબિન તબક્કામાં મળેલા પરાજયનો બદલો વાળીને અહીં રમાયેલી ઓલિમ્પિક્સ ટેસ્ટ ટુર્નામેન્ટની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 5-0થી કચડી નાંખીને ચેમ્પિયન બન્યું હતું. ભારત વતી હરમનપ્રીત સિંહ, શમશેર સિંહ, નીલાકાંતા શર્મા, ગુરૂસાહિબજીત સિંહ અને મનદીપ સિંહે ગોલ કર્યા હતા. જ્યારે ન્યુઝીલેન્ડ એકપણ ગોલ કરી શક્યું નહોતું. ભારત રાઉન્ડ રોબિનમાં ન્યુઝીલેન્ડ સામે 1-2થી હાર્યુ હતું.
ફાઇનલમાં બંને ટીમે સંભાળીને રમવાનું શરૂ કર્યું હતું. 7મી મિનીટમાં મળેલા પહેલા પેનલ઼્ટી કોર્નર પર ભારતીય ટીમ ગોલ કરી શકી નહોતી પણ એ જ મિનીટમાં મળેલા બીજા પેનલ્ટી કોર્નરમાં હરમનપ્રીતે ગોલ કરી દઇને સરસાઇ અપાવી હતી. તે પછી 18મી મિનીટમાં શરશેરે બીજો ગોલ કર્યો હતો. તે પછી બીજા ક્વાર્ટરમાં ભારત વતી નીલાકાંતા, ગુરસાહિબજીત અને મનદીપે ગોલ કરીને સરસાઇ 5-0 કરી દીધી હતી. અંતિમ બે ક્વાર્ટરમાં એકપણ ગોલ થયો નહોતો.