ભારતીય પુરૂષ હોકી ટીમના પગલે ચાલીને ભારતની મહિલા હોકી ટીમ પણ ઓલિમ્પિક્સ ટેસ્ટ ઇવેન્ટમાં ચેમ્પિયન બની છે. બુધવારે સાજે રમાયેલી યજમાન જાપાન સામેની ફાઇનલમાં ભારતીય મહિલાઓએ 2-1થી વિજય મેળવ્યો હતો. ભારત વતી નવજોત અને લાલરેમસિયામીએ ગોલ કર્યા હતા, જ્યારે યજમાન ટીમ વતી એકમાત્ર ગોલ મિનામી શિમજૂએ કર્યો હતો.
મેચની 11મી મિનીટમાં નવજોતે ગોલ કરીને ભારતીય ટીમને સરસાઇ અપાવી હતી. તેની એક મિનીટ પછી જાપાનની મિનામી શિમજૂએ ગોલ કરીને સ્કોર 1-1ની બરોબરી પર મુક્યો હતો. તે પછી મેચનો ત્રીજો અને ભારતનો બીજો ગોલ ત્રીજા ક્વાર્ટરમાં થયો હતો. લાલરેમસિયામીએ પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને ભારતને 2-1ની સરસાઇ પર મુક્યું હતું અને એ જ સ્કોર પર મેચ પુરી થઇ હતી.