જમ્મુ-કાશ્મીરમાંથી કેન્દ્ર સરકારે કલમ 370 હટાવી લીધી તેનાથી પાકિસ્તાનના રાજકારણીઓ જ નહીં પણ ત્યાંના ક્રિકેટર્સ પણ ધુંધવાયેલા છે. આ પહેલા શાહિદ આફ્રિદી, શોએબ અખ્તર અને સરફરાઝ અહેમદ પોતાનો વાંધો દર્શાવી ચુક્યા છે અને હવે તેમાં માજી કેપ્ટન જાવેદ મિયાંદાદનું નામ ઉમેરાયું છે. કાશ્મીર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે ટીપ્પણી કરતી વખતે મિયાંદાદે પોતાના પરનો કાબુ ગુમાવીને મીડિયા સમક્ષ એવું કહ્યું હતું કે પાકિસ્તાન પાસે જે અણુ બોમ્બ છે તે માત્ર બતાવવા માટે નહીં પણ ઉપયોગ કરવા માટે છે.
પાકિસ્તાનની એક સ્પોર્ટસ વેબસાઇટે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાવેદ મિયાંદાદનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પાકિસ્તાની પત્રકારો સાથે કાશ્મીર મામલે ચર્ચા કરી રહ્યો છે, તે ધુંધવાઇને એવું બોલે છે કે જો તમારી પાસે ઘાતક હથિયાર છે તો તમારો જીવ બચાવવા માટે તેનો ઉપયોગ કરી દેવો જોઇએ.