ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના લોકપાલ ડી કે જૈને એવો આદેશ કર્યો છે કે કથિત સ્પોટ ફિક્સીંગ મામલે ખરડાયેલો ક્રિકેટર એસ શ્રીસંતનો પ્રતિબંધ આવતા વર્ષે ઓગસ્ટમાં પુરો થઇ જશે. તેમણે એવું તારવ્યું હતું કે 6 વર્ષથી ચાલી રહેલા પ્રતિબંધને કારણે શ્રીસંત પોતાનો સર્વશ્રેષ્ઠ ગાળો પહેલાથી જ ગુમાવી ચુક્યો છે. બીસીસીઆઇએ શ્રીસંત પર ઓગસ્ટ 2013માં આજીવન પ્રતિબંધ મુક્યો હતો. તેના સિવાય આઇપીએલમાં કથિત સ્પોટ ફિક્સીંગના આરોપમાં રાજસ્થાન રોયલ્સના અજીત ચંદીલા અને અંકિત ચવાણ પર પણ આજીવન પ્રતિબંધ મુકાયો હતો.
સર્વોચ્ચ અદાલતે આ વર્ષે માર્ચમાં બીસીસીઆઇની ડિસીપ્લનરી કમિટીનો નિર્ણય બદલી કાઢ્યો હતો. હવે 7 ઓગસ્ટના પોતાના નિર્ણયમાં જૈને કહ્યું છે કે આ પ્રતિબંધ 7 વર્ષનો ગણાશે અને તે આવતા વર્ષથી ક્રિકેટ રમી શકશે. જૈને કહ્યું હતું કે હાલ શ્રીસંત 35 વર્ષને પાર કરી ચુક્યો છે. એક ક્રિકેટર તરીકે તેનો સર્વશ્રેષ્ઠ ગાળો વિતી ચુક્યો છે અને મારું માનવું છે કે કોઇપણ પ્રકારના પ્રોફેશનલ ક્રિકેટ અથવા તો બીસીસીઆઇ કે તેના સભ્ય એસોસિએશન સાથે જોડાવા માટે શ્રીસંત પર લગાવાયેલો પ્રતિબંધ 13 સપ્ટેમ્બર 2013થી 7 વર્ષનો કરવાનું યોગ્ય ગણાશે.
બીસીસીઆઇએ 28 ફેબ્રુઆરીએ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે શ્રીસંત પર લાગુ કરાયેલો આજીવન પ્રતિબંધ યોગ્ય છે, કારણ તેણે મેચના પરિણામ પર અસર નાખવાનો પ્રયાસ કર્યો હતો. શ્રીસંતના વકીલે એવી દલીલ કરી હતી કે આઇપીએલની મેચ દરમિયાન કોઇ સ્પોટ ફિક્સીંગ નથી થયું અને શ્રીસંત પર મુકાયેલા આરોપની તરફેણ કરતાં કોઇ પુરાવા મળ્યા નથી.