ભારતીય રેસલિંગ ફેડરેશન (ડબલ્યુએફઆઇ) દ્વારા નેશનલ કેમ્પમાંથી પરવાનગી લીધા વગર ચાલ્યા જવા માટે ઓલિમ્પિક્સ બ્રોન્ઝ મેડલિસ્ટ મહિલા રેસલર સાક્ષી મલિકને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી, જો કે આ શો કોઝના જવાબમાં સાક્ષી મલિકે કારણ જણાવીને માફી માગી લેતા તેને લખનઉ સ્થિત સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સાઇ)માં ચાલી રહેલા નેશનલ કેમ્પમાં ફરી એન્ટ્રી આપવામાં આવી છે.
સાક્ષી ઉપરાંત સીમા બિસલા અને કિરણ એમ કુલ 3 મહિલા રેસલર પર ગેરશિસ્તનો આરોપ મુકીને ડબલ્યુએફઆઇએ નેશનલ કેમ્પમાંથી સસ્પેન્ડ કરી દીધી હતી. આ ત્રણે મહિલા રેસલર આગામી વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પહેલાથી જ ક્વોલિફાઇ કરી ચુકી છે. ડબલ્યુએફઆઇના સંયુક્ત સચિવ વિનોદ તોમરે સોમવારે જણાવ્યું હતું કે આ ત્રણે મહિલા રેસલર રક્ષાબંધન નિમિત્તે પોત પોતાના ઘરે ગઇ હતી.
તોમરે જણાવ્યું હતું કે સાક્ષીએ જણાવ્યુ હતું કે તે રક્ષા બંધન માટે પોતાના ઘરે ગઇ હતી. તેણે પોતાની ભુલ સ્વીકારી લીધી છે અને કહ્યું છે કે મારે તેના માટે મંજૂરી લેવી જોઇતી હતી. સીમા એ કિરણે પણ એ જ કારણ જણાવ્યું છે. તેમણે માફી માગી લીધી છે અને તેથી હવે તેમને કેમ્પમાં ફરી એન્ટ્રી મળી છે.