દાનિલ મેદવેદેવે અહીં સિનસિનાટી એટીપી માસ્ટર્સમાં પુરૂષ સિંગલ્સમાં જ્યારે મેડિસન કિઝે ડબલ્યુટીએ માસ્ટર્સની મહિલા સિંગલ્સમાં ફાઇનલ મેચ જીતીને ટાઇટલ કબજે કર્યું હતું. છેલ્લી બે ટૂર્નામેન્ટમાં રનર્સ અપ રહીને સંતોષ માનનારા મેદવેદેવ રવિવારે રાત્રે ડેવિડ ગોફિનને 7-6 (7/3), 6-4થી હરાવીને ચેમ્પિયન બન્યો હતો.
મેદવેદેવે અંતિમ ગેમમાં બ્રેક પોઇન્ટ બચાવીને એક એશ ફટકારીને વિજય મેળવી લીધો હતો. માસ્ટર્સ 1000માં આ તેનું પહેલું ટાઇટલ રહ્યું છે મેદવેદેવ આ પહેલા વોશિંગ્ટનમાં નિક કિર્ગિયોસ સામે જ્યારે મોન્ટ્રિયલમાં રફેલ નડાલ સામે ફાઇનલમાં હાર્યો હતો. સેમી ફાઇનલમાં મેદવેદેવે નંબર વન નોવાક જોકોવિચને હરાવ્યો હતો.
આ તરફ મહિલા સિંગલ્સમાં કિઝે સ્વેતલાના કુઝનેત્સોવાને 7-5, 7-6 (7/5)થી હરાવીને ટાઇટલ જીત્યું હતું. 2017માં યુએસ ઓપનની ફાઇનલ સુધી પહોંચેલી કિઝની કેરિયરનું આ પાંચમુ અને આ સિઝનનું બીજુ ટાઇટલ રહ્યું છે. આ પહેલા કે એપ્રિલમાં ચાર્લ્સટન ઓપનનું ટાઇટલ જીતી ચુકી છે.