ચોરીની ઘટનાને અંજામ આપવા માટે બદમાશ અલગ-અલગ રીતો અપનાવી રહ્યાં છે. યાત્રીઓ સાથે વાતચીત કરીને સામાન લઇને ફરાર થવાની ઘટનાઓ સામે આવી રહી છે પરંતુ આ વખતે બદમાશોએ નવો રસ્તો અપનાવ્યો છે. બદમાશો ટ્રેનમાં ચડીને કોઇપણ સીટને પોતાની ગણાવશે. આ વાત પર ઝગડો શરૂ કરીને પેસેન્જરોનું ધ્યાન ભટકાવીને તકનો લાભ લેતાં ગઠિયા જબરી ટ્રિક લઇને આવ્યાં છે. આવી જ ક ઘટના સામે આવી જ્યારે હોબાળાની તકનો લાભ લઇને એક બદમાશ પેસેન્જરની ઘરેણા ભરેલી બેગ લઇને ફરાર થઇ ગયો.
અમેઠીના રહેવાસી વીર વિક્રમે પોલીસને જણાવ્યું કે તે પોતાની બહેન સ્નેહલતા સાથે નિહાલગઢ જવા માટે આનંદ વિહાર ટર્મિનલ સ્ટેશન પહોંચ્યા. અહીં સદ્ભાવના એક્સપ્રેસના એસ-2ના 21 અને 22 નંબર બર્થ પર રિઝર્વેશન હતુ. જ્યારે ટ્રેન પ્લેટફોર્મ પર આવી તો તેઓ ડબ્બામાં ચડી ગયા. પોતાનો સામાન એડજસ્ટ કરવા લાગ્યા. એક બેગ તેમણે સીટની નીચે મુકી. થોડીવાર બાદ 2થી 3 યુવકો ટ્રેનમાં ચડ્યાં અને કહેવા લાગ્યાં કે આ સીટ તેમની છે.
આ વાતને લઇને તેમની વચ્ચે બબાલ થવા લાગી. ત્યારે એક યુવક સીટ નીચે મુકેલી બેગ ઉઠાવીને ફરાર થઇ ગયો. બેગમાં સોનાની ચેન, ડાયમંડ રિંગ, સોનાની બુટ્ટી, બે જોડી પાયલ, 4 હજાર રૂપિયા અને જરૂરી દસ્તાવેજ હતાં. જ્યારે તેમને જાણ થઇ ત્યાં સુધીમાં ટ્રેન સ્ટેશનથી ઘણી દૂર આવી ગઇ હતી.
તેમણે ટીટીને આ વિશે જાણ કરી તો તેમણે એસ્કોર્ટ કરનાર જવાનોને મળવા કહ્યું. તેમણે છેલ્લા સ્ટેશન પર એફઆઇઆર લખાવી. તપાસ માટે એફઆઇઆર આનંદ વિહાર જીઆરપી મોકલવામાં આવી છે. જીઆરપીનું કહેવું છે કે તેઓ સીસીટીવી ફુટેજ ચકાસી રહ્યાં છે.