નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (નાડા) બેંગલુરૂમાં દુલીપ ટ્રોફીની આગામી મેચ દરમિયાન ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ હેઠળ રજીસ્ટર્ડ થયેલા ખેલાડીઓના ડોપ ટેસ્ટ શરૂ કરી દેશે. બીસીસીઆઇ દ્વારા મુકાયેલી લીડ ડોપ કન્ટ્રોલ ઓફિસર (એલડીસીઓ) તરીકે ક્વોલિફાઇડ મેડિકલ પ્રેક્ટિશનરને રાખવાની શરત નાડાએ સ્વીકારી લીધી છે.
હાલમાં જ બીસીસીઆઈના ક્રિકેટ ઓપરેશન જનરલ મેનેજર સબા કરીમ અને એન્ટી ડોપિંગ યુનિટના અધ્યક્ષ અભિજીત સાલ્વીએ નાડાના વરિષ્ઠ અધિકારીઓ સાથે આગળની વ્યુહરચના અંગે ચર્ચા માટે મુલાકાત કરી હતી. જેમાં મહાનિર્દેશક નવીન અગ્રવાલ સામેલ હતા. નાડાએ બેઠક પછી કહ્યું હતું કે અમે આ ભાગીદારી જેમ બને તેમ દુલીપ ટ્રોફીથી શરૂ કરવાની આશા રાખી રહ્યા છીએ. નાડા જોકે બેંગલુરૂમાં ઇન્ડિયા બ્લ્યૂ અને ઇન્ડિયા ગ્રીન ટીમો વચ્ચે ચાલી રહેલી પ્રારંભિક મેચમાં કોઇ ખેલાડીની તપાસ નહીં કરે.
જો કે એવી સંભાવના છે કે થોડા ટેસ્ટ 23 ઓગસ્ટથી શરૂ થઇ રહેલી આગામી મેચથી કરવામાં આવશે. બીસીસીઆઇએ આ સિઝનની ડોમેસ્ટિક મેચની સંપૂર્ણ કાર્યક્રમની યાદી તેમને સોંપી દીધી છે, જેમાં તારીખ અને સ્થળ સામેલ છે, કે જેથી નાડા પોતાના પરિક્ષણ માટેનો કાર્યક્રમ ઘડી શકે. સાલ્વીએ કહ્યું હતું કે દુલીપ ટ્રોફી પહેલાથી જ શરૂ થઇ ચુકી છે અને કદાચ તેઓ આગળની મેચ માટે સામે આવે. તેમણે એવો કોઇ ઉલ્લેખ નથી કર્યો કે તેઓ કયા પ્રકારના ટેસ્ટ કરશે.