ભારતીય પુરૂષ હોકી ટીમે સરસાઇ મેળવી હોવા છતાં રવિવારે અહીં ઓલિમ્પિક્સ ટેસ્ટ સ્પર્ધામાં પોતાની બીજી મેચમાં ન્યુઝીલેન્ડ સામે 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચની બીજી જ મિનીટમાં કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને ટીમને સરસાઇ અપાવી હતી. ન્યુઝીલેન્ડે જો કે અંતિમ ક્વાર્ટરમાં જેકબ સ્મિથના 47મી મિનીટના અને સે લેનના 60મી મિનીટના ગોલની મદદથી મેચ જીતી લીધી હતી.
ભારતીય ટીમે બીજી મિનીટમાં ગોલ કર્યો તે પછી તેઓ એકપણ ગોલ કરી શક્યા નહોતા અને સામે પક્ષે ન્યુઝીલેન્ડને પણ ગોલ કરવાથી દૂર રાખ્યું હતું. ભારતને મેચની છઠ્ઠી મિનીટમાં વધુ એક પેનલ્ટી કોર્નર મળ્યો હતો પણ તેને તેઓ ગોલમાં ફેરવી શક્યા નહોતા. 42મી મિનીટમાં હરમનપ્રીત પાસે સરસાઇ ડબલ કરવાની તક આવી હતી પણ કીવી ગોલકિપર રિચર્ડ જાયસે તેના સ્ટ્રોકને અટકાવી દીધો હતો.