વિશ્વના નંબર વન ખેલાડી નોવાક જોકોવિચે એટીપી સિનસિનાટી માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો જ્યારે ત્રીજા ક્રમાંકિત રોજર ફેડરર અપસેટનો શિકાર બન્યો હતો. જોકોવિચે બુધવારે 90 મિનીટ સુધી ચાલેલી મેચમાં સ્પેનના 53માં ક્રમાંકિત પાબ્લો કારેનોને 6-3, 6-4થી હરાવ્યો હતો.
સિનસિનાટીમાં 7 વારનો ચેમ્પિયન ફેડરર પહેલીવાર રશિયાના આન્દ્રે રુબલેવ સામે રમી રહ્યો હતો અને એક કલાકમાં તે 3-6, 4-6થી અપસેટનો શિકાર બન્યો હતો. જોકોવિચ સામે વિમ્બલ્ડનની ફાઇનલમાં હાર્યા પછી ફેડરરની આ બીજી જ મેચ હતી. ડિફેન્ડીંગ ચેમ્પિયન જોકોવિચ ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સના લુકાસ પૌલી સામે રમશે જેણે રશિયાના કારેન ખાચાનોવને 6-7, 6-4, 6-2થી હરાવ્યો હતો.
મહિલાઓમાં એશ્લે બાર્ટીએ એનેટ કોન્ટાવેટને 4-6, 7-5, 7-5થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યુંં હતું. નાઓમી ઓસાકાએ સિએ સુ વેઇ સામે 7-6, 5-7, 6-2થી વિજય મેળવ્યો હતો. જ્યારે મેડિસન કિઝે સિમોના હાલેપને 6-1, 3-6, 7-5થી હરાવી હતી. આ ઉપરાંત સ્વેતલાના કુઝનેત્સોવા અને વીનસ વિલિયમ્સ પણ જીત મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી છે.