ભારતના સ્ટાર રેસલર અને એશિયન તેમજ કોમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ બજરંગ પુનિયાનું નામ દેશના સર્વોચ્ચ રમત સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન માટે પસંદ કરાયું છે. તેનું નામ બાઇચુંગ ભુટિયા અને એમસી મેરી કોમ સહિતની 12 સભ્યોની પસંદગી સમિતિની બે દિવસીય બેઠકના આજના શુક્રવારના પહેલા દિવસે જ પસંદ કરવામાં આવ્યું હતું. ભારતીય રેસલિંગ ફેડરેશન દ્વારા બજરંગ પુનિયાની સાથે જ વિનેશ ફોગાટના નામની આ એવોર્ડ માટે ભલામણ કરવામાં આવી હતી, તેમાંથી બજરંગનું નામ પસંદ કરાયું છે.
આ પસંદગી પ્રક્રિયા સાથે સંકળાયેલા એક સૂત્રએ કહ્યું હતું કે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે બજરંગના નામની પસંદગી કરવામાં આવી છે, તેનું નામ સર્વ સંમતિથી પસંદ કરવામાં આવ્યું હોવાનું તેણે જણાવ્યું હતું. સૂત્રએ સાથે જ એવું પણ ઉમેર્યુ હતું કે અર્જુન અને દ્રોણાચાર્ય એવોર્ડ માટેના નામ નક્કી કરવાની સાથે આવતીકાલે શનિવારે આ પસંદગી સમિતિ સર્વોચ્ચ સન્માન માટે વધુ એક એથ્લેટના નામની પસંદગી કરી શકે છે.
એ ઉલ્લેખનીય છે કે ગત વર્ષે આ સર્વોચ્ચ રમત એવોર્ડ ન મળતા બજરંગે કોર્ટમાં જવાની ધમકી ઉચ્ચારી હતી. શુક્રવારે તેના નામની પસંદગી થઇ હોવાનું જાણવા મળતા બજરંગે કહ્યું હતું કે આ એવોર્ડ માટેનો તે હકદાર છે. તેણે એવું કહ્યું હતું કે મારું કામ આકરી ટ્રેનિંગ કરવાનું છે, મારું ધ્યાન એવોર્ડ પર નહીં પણ મારા પ્રદર્શન પર રહે છે. પણ જ્યારે તમે સારું પ્રદર્શન કરો છો ત્યારે તમને સન્માન પણ મળવું જોઇએ એવું તેણે ઉમેર્યું હતું